Anand: કરમસદ-આણંદ મનપામાં પ્રથમ મહિલા મેયર પદ માટે ભાજપમાં જંગ જામ્યો, હાઈકમાન્ડની કસોટી

જો ભાજપ પાટીદાર ફેક્ટર બાજુ પર રાખી અન્ય જ્ઞાતિને તક આપે, તો શિક્ષિત અને સક્રિય કાર્યકર હિરલબેન સક્ષમ ઉમેદવાર સાબિત થઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 May 2026 05:30 PM (IST)Updated: Sat, 02 May 2026 05:30 PM (IST)
anand-mayor-race-heats-up-bjps-big-win-sparks-leadership-battle
HIGHLIGHTS
  • આણંદ મનપાનું વાર્ષિક બજેટ 1150 કરોડ રૂપિયા છે
  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટાના ચેરમેન માટે લોબિંગ

Anand: કરમસદ-આણંદ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે 52માંથી 43 બેઠકો સાથે ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે ‘પ્રથમ નાગરિક’ કોણ બનશે તે અંગે સસ્પેન્સ ઘેરાયું છે. આગામી અઢી વર્ષ માટે મેયર પદ મહિલા માટે અનામત હોવાથી પક્ષના બે કદાવર નેતાઓ વચ્ચે શક્તિપ્રદર્શન શરૂ થયું છે.

રૂ. 5500 કરોડનો વહીવટ અને પદની પ્રતિષ્ઠા

આણંદ મનપાનું વાર્ષિક બજેટ અંદાજે રૂ. 1150 કરોડ છે, જે પાંચ વર્ષમાં રૂ. 5500 કરોડ સુધી પહોંચશે. આ માતબર ભંડોળ અને વહીવટી સત્તા મેળવવા માટે મેયર, ડેપ્યુટી મેયર અને સૌથી શક્તિશાળી ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે. વિકાસકામોની મંજૂરીની સત્તા સ્ટેન્ડિંગ કમિટી પાસે હોવાથી આ ‘મલાઈદાર’ પદ માટે સભ્યોએ પોતાના ‘ગોડફાધર’ મારફતે ફિલ્ડિંગ ગોઠવી છે.

મેયર પદના પ્રબળ દાવેદારો

ગાર્ગી પટેલ: વોર્ડ નં. 7માંથી બિનહરીફ વિજેતા ગાર્ગીબેન BCA સુધીનો અભ્યાસ અને મેનેજમેન્ટમાં નિપુણતા ધરાવે છે. સ્વચ્છ પ્રતિભા અને સંગઠનમાં ગામતળનું વર્ચસ્વ તેમને રેસમાં આગળ રાખે છે.

રૂપલબેન પટેલ: અગાઉ આણંદ પાલિકાના પ્રમુખ રહી ચૂકેલા રૂપલબેન પાસે વહીવટી અનુભવ છે. સ્થાનિક નેતાઓનું પીઠબળ ધરાવતા રૂપલબેન સ્વચ્છ પ્રતિભા સાથે મજબૂત દાવેદાર છે.

કવિતા પટેલ: MA સુધી શિક્ષિત અને પૂર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલના પત્ની છે. જોકે, તેમના પતિ પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને એક જ પરિવારને બીજી વાર પદ ન આપવાની નીતિ તેમને નડી શકે છે.

કૃતિકા પટેલ: સાંસદની નજીક ગણાતા કૃતિકાબેન MSC સુધીનો અભ્યાસ ધરાવે છે. કરમસદના નેતાઓ તેમને મેયર બનાવવા પ્રયત્નશીલ છે, પરંતુ તેમના પતિની કામગીરી સામે સ્થાનિકોમાં થોડી નારાજગી છે.

હિરલ શાહ: જો ભાજપ પાટીદાર ફેક્ટર બાજુ પર રાખી અન્ય જ્ઞાતિને તક આપે, તો શિક્ષિત અને સક્રિય કાર્યકર હિરલબેન સક્ષમ ઉમેદવાર સાબિત થઈ શકે છે.

જૂથવાદ અને હાઈકમાન્ડની મૂંઝવણ

આણંદ જૂથ અને વિદ્યાનગર-કરમસદ જૂથ વચ્ચેની ખેંચતાણમાં પ્રદેશ મોવડીમંડળ મૂંઝાયું છે. જો આંતરિક વિખવાદ વધશે તો હાઈકમાન્ડ ‘બંધ કવર’માં કોઈ ત્રીજા જ નવા ચહેરાનું નામ જાહેર કરીને આશ્ચર્ય સર્જી શકે છે. નિર્ણય હવે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના આખરી ઓપ પર નિર્ભર છે.