કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું નિધન, સાંજે 5:00 વાગ્યે નીકળશે સ્મશાનયાત્રા

કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા, આક્રમક અંદાજ માટે જાણીતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું ટૂંકી માંદગી બાદ અમરેલી ખાતે દુઃખદ નિધન થયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 07 Oct 2026 02:33 PM (IST)Updated: Wed, 07 Oct 2026 02:33 PM (IST)
veteran-gujarat-congress-leader-and-former-amreli-mp-virji-thummar-passes-away

Virji Thummar Death: ગુજરાત કોંગ્રેસ માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ પક્ષના દિગ્ગજ નેતા, આક્રમક અંદાજ માટે જાણીતા અને અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનું ટૂંકી માંદગી બાદ અમરેલી ખાતે દુઃખદ નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર સહકારી અને રાજકીય ક્ષેત્રે ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

કોણ છે વીરજી ઠુમ્મર?

સ્વ. વીરજી ઠુમ્મર લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હતા અને જનતાના પ્રશ્નો માટે હંમેશાં અવાજ ઉઠાવતા રહ્યા હતા. તેમણે પોતાની રાજકીય સફરમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. તેઓ વર્ષ 2004 થી 2009 દરમિયાન અમરેલી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને સંસદમાં લોક પ્રશ્નોને વાચા આપી હતી.

વર્ષ 2017 થી 2022 દરમિયાન તેમણે લાઠી અને બાબરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે જનપ્રતિનિધિ તરીકે સેવાઓ આપી હતી. માત્ર રાજકારણ જ નહીં, પરંતુ અનેક સહકારી સંસ્થાઓમાં પણ સક્રિય યોગદાન આપીને તેમણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોના ઉત્થાન માટે કામ કર્યું હતું.

આક્રમક અને બેધડક અંદાજ માટે જાણીતા

વીરજી ઠુમ્મર કોંગ્રેસના એક ટાંચા અને આક્રમક નેતા તરીકે જાણીતા હતા. પક્ષમાં કોઈપણ વિષય હોય કે જનતાના હિતની વાત હોય, તેઓ હંમેશાં બેધડક અને આક્રમક અંદાજમાં પોતાની વાત રજૂ કરવા માટે જાણીતા હતા. તેમના જવાથી કોંગ્રેસ પક્ષે એક સાચો અને લડાયક જનતાનો નેતા ગુમાવ્યો છે.

સાંજે નીકળશે અંતિમ યાત્રા

પ્રાપ્ત માહિતી અનુસાર, ટૂંકી બિમારી સામે લડતા લડતા તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું છે. આજે સાંજે 5:00 વાગ્યે અમરેલી ખાતેથી તેમની અંતિમયાત્રા (સ્મશાનયાત્રા) નીકળશે, જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સમર્થકો અને નાગરિકો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવશે.