મુંબઈના પૂર્વ ધારાસભ્ય સાથે અમરેલીમાં 6.72 કરોડની ઠગાઈ, સગા સાળાના બે પુત્રો સામે જ પોલીસ FIR

આ અંગે અમરેલી સીટી પોલીસે બંને આરોપી ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 18 Sep 2026 09:38 AM (IST)Updated: Fri, 18 Sep 2026 09:38 AM (IST)
mumbai-former-mla-hemendra-mehta-fraud-6-crore-in-amreli-police-complaint
Smbolic Image

Amreli Crime News: અમરેલી શહેરમાં કિંમતી મિલકત અને ભંગારના વેચાણના બહાને મુંબઈનાબોરીવલીના પૂર્વ ધારાસભ્ય સાથે રૂ. 6.72 કરોડની ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર 82 વર્ષીય વૃદ્ધના સગા સાળાના બે પુત્રોએ જ છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ અંગે અમરેલી સિટી પોલીસ મથકમાં બંને આરોપી ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભંગાર વેચાણના આશરે 70 લાખ ચાંઉ કર્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, અમરેલીના ચિતલ રોડ પર તપોવન મંદિર કેમ્પસની પાછળ રહેણાંક ધરાવતા અને હાલ મુંબઈ ખાતે નિવૃત્ત જીવન ગાળતા મુંબઈ બોરીવલીના 82 વર્ષીય પૂર્વ ધારાસભ્ય હેમેન્દ્રભાઈ રતિલાલ મહેતાએ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ઠગાઈના મામલે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં મૂળ સાવરકુંડલાના પીઠવડીના વતની અને હાલ સુરતમાં રહેતા તેમના સાળાના બે પુત્ર હાર્દિક મહેતા અને ભવદીક મહેતાનો ઉલ્લેખ કર્યો છે.

હાર્દિકે હેમેન્દ્રભાઈની વૃદ્ધાવસ્થાનો લાભ ઉઠાવી અમરેલી તાલુકાના ફતેપુર ગામે આવેલી મિલકતનો ભંગાર વેચવા માટે કુલમુખત્યારનામું કરાવી રૂ. 80 લાખમાં ભંગાર વેચી નાખ્યો હતો. જોકે, તેમાંથી પોતાના ફૂવાને માત્ર રૂ. 10 લાખ જ ચૂકવ્યા હતા અને બાકીના રૂ. 70 લાખ પચાવી પાડી પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને નેપાળ ભાગી ગયો હતો.

લાલચ આપી ગિફ્ટ ડીડ પોતાના નામે કરાવ્યું

ત્યારબાદ હાર્દિકનો ભાઈ ભવદીક વિપુલભાઈ મહેતા દુબઈથી વતન પરત ફર્યો હતો. તેણે ફરિયાદીને ચિતલ રોડ પર આવેલી ચાર માળની અધૂરી બિલ્ડીંગનું કામ પૂરું કરી આપવાની લાલચ આપી ગિફ્ટ ડીડ મારફતે આ કિંમતી મિલકત પોતાના નામે કરાવી લીધી હતી. બદલામાં તેણે રૂ. 6 કરોડ ચૂકવવાનો વાયદો કરી સિક્યોરિટી પેટે ચેક તથા પ્રોમેસરી નોટ પણ આપ્યા હતા.

ચેક બાઉન્સ થતાં 6.72 કરોડની ઠગાઈનો પર્દાફાશ

આરોપીઓએ સમય જતાં નાણાં ન ચૂકવ્યા અને ગિફ્ટ ડીડ છોડાવવાના નામે ગત 29 ઓગસ્ટ 2026 ના રોજ વધુ રૂ. 2,50,000 રોકડા પણ પડાવી લીધા હતા. અંતે સિક્યોરિટી પેટે આપેલા ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થતા ફરિયાદીને પોતાની સાથે થયેલી મહાઠગાઈનો ખ્યાલ આવ્યો હતો. જેથી 82 વર્ષીય હેમેન્દ્રભાઈએ અમરેલી સિટી પોલીસ મથકે બંને ભાઈઓ હાર્દિક મહેતા અને ભવદીક મહેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.