Amreli: દેશની રક્ષા માટે શહીદી વહોરી લેનાર મનીષ મેહતા (Manish Mehta) નામના યુવાનનો મૃતદેહ તેના વતન અમરેલી ખાતે આવી પહોંચ્યો હતો. સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર તેમના વતન ખાતે કરવામાં આવ્યા હતા. તેમના બે પુત્ર અને પત્નીએ વિલાપ કરતા વસમી વિદાય આપી હતી.વીર ગતિ પામેલા યુવાનને શ્રધ્ધાંજલી આપવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
અમરેલીના અમરાપુર ગામના મૂળ વતની અને હાલ અમરેલીના હનુમાનપરા રોડ પર રહેતા ગુણવંતભાઈ મેહતાના પુત્ર મનીષ છેલ્લા 16 વર્ષથી દેશની રક્ષા માટે વિવિધ બોર્ડર પર ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. જોકે એક દિવસ એવો આવ્યો કે તેમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા,તેમને બાળપણથી જ દેશ પ્રેમ હતો અને દેશ માટે કાંઈક કરી છૂટવા માંગતા હતા.જેના કારણે તેઓ સેનામાં ભરતી થયા હતા.
ગત 16 ડિસેમ્બરના રોજ પોતાની રજાઓ પતાવી આસામ પરત ગયા હતા. જવાનો અભ્યાસ માટે જલપાઈ ગુડીથી રેલ માર્ગેથી રાજસ્થાન આવી રહ્યા હતા. તે દરમિયાન મોટી સંખ્યામાં સેનાના જવાનો પણ તેની સાથે હતા. રેલવેના માધ્યમથી સાધનો પણ લાવવામાં આવી રહ્યા હતા.આ દરમિયાન મનીષ મહેતા અન્ય સાથી જવાનો સાથે ટેન્કમાંથી પાણી લાવવા ગયા ત્યારે રેલવેના હાઈ વોલ્ટેજના વીજ કરંટના કારણે દુર્ઘટના થઇ હતી. જેમા મનીષભાઈએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ યુવાનને બે સંતાનો છે ત્યારે શહીદ યુવાનનો મૃતદેહ તેના વતન અમરેલી ખાતે પહોંચતા અશ્રુભીની શ્રધ્ધાંજલી આપવા માટે મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી.તેના બે બાળકો,પત્ની સહિત પરિવાજનોએ વસમી વિદાઈ આપી હતી.પરિવારજનો હીબકે ચડ્યા હતા.સમગ્ર અમરેલી શહેર શોકમગ્ન બન્યું હતું.

આ શહિદને વિદાઈ આપવા માટે રાજકીય આગેવાનો પણ દોડી આવ્યા હતા.સહકારી નેતા દિલીપ સંઘાણી,વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા,અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયાએ તેના નિવાસ્થાને પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અમરેલી શહેરમાં માર્ગો પર સ્મશાન યાત્રા નીકળતા સમગ્ર અમરેલી વાસીઓએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.કૈલાશ મુક્તિધામ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.