અમરેલી જિલ્લામાં દિવસને દિવસે રહેણાંક વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના ત્રાસ અને હુમલાના કિસ્સાઓ વધી રહ્યાં છે. થોડા સમય પહેલા જ દીપડા અને સિંહણ દ્વારા માનવી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લામાં દીપડાએ હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. જાફરાબાદના સરોવડામાં દીપડાએ હુમલો કરતા વૃદ્ધાનું મોત નીપજ્યું છે. દીપડાના હુમલાથી સ્થાનિકોમાં રોષ છે અને વન વિભાગ દીપડાને પાંજરે પૂરવાની કામગીરી ત્વરીત કરે તેવી માગ કરવામાં આવી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં રહેણાક વિસ્તારમાં વૃદ્ધ મહિલા સૂતા હતા. એ સમયે દીપડો ત્યાં આવ્યો હતો અને વૃદ્ધા પર હુમલો કર્યો હતો. દીપડાએ વૃદ્ધાનું ગળુ પકડીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ગંભીર ઇજાઓ પહોંચતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. દીપડાએ હુમલો કર્યાની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. દીપડાએ ગામમાં આવીને રહેણાક વિસ્તારમાં આ રીતે જીવલેણ હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગ્રામજનો દ્વારા બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ સરોવડા ગામમાં પહોંચી હતી. જે સમયે ગ્રામજનોએ ત્વરીત ધોરણે દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માગ કરી છે. વન વિભાગ દ્વારા ગામમાં અલગ-અલગ જગ્યાએ પાંજરા મૂક્યા છે અને દીપડાને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી હતી.