Amreli News:અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામે મંગળવારે મોડી રાત્રે એક કરુણ અને હિંસક ઘટના બની હતી, જેમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક યુવાનનું કચડાઈ જવાથી મોત થયું હતું. આ અથડામણમાં અન્ય ૭ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
ફુલઝર ગામે બાવાજી પરિવારના લગ્નનું ફુલેકું નીકળ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના સામાન્ય મુદ્દે દરબાર અને પટેલ જૂથના લોકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જેણે જોતજોતામાં હિંસક અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ જૂથ અથડામણ દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. મળતા અહેવાલ મુજબ, એક જૂથે ક્રેટા (Creta) ગાડી દોડાવીને વિરોધી પક્ષના લોકોને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં લગ્નમાં આવેલા દેવળીયા ગામના મહેન્દ્રભાઈ વાળા નામના કાઠી યુવકનું ગંભીર રીતે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ હિંસક અથડામણમાં બન્ને પક્ષના થઈને કુલ 7 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઇજાગ્રસ્તો પૈકી 4 લોકોને વધુ સારવાર માટે ગોંડલ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને બાબરાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ બાબરા પોલીસનો કાફલો તાત્કાલિક ફુલઝર ગામે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ જૂથ અથડામણના મૂળ કારણો તેમજ મોત માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂ કરી છે.
