Innovative Teacher of Gujarat: શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપવાની પ્રક્રિયા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને ઓળખી તેને વિકાસની તક આપવાનું મહત્વનું માધ્યમ છે. શિક્ષણમાં નવીનતા, વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન અને ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાને વ્યાપક ઓળખ અપાવવાના ઉદ્દેશ સાથે અમરેલીના શિક્ષક કેવલ મહેતા છેલ્લા 11 વર્ષથી વિવિધ શૈક્ષણિક પહેલો સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓના નવતર વિચારો અને પ્રેરણાદાયી શિક્ષણપ્રયોગોને સમાજ સુધી પહોંચાડવાનો તેમનો પ્રયાસ આજે દેશની સરહદો પાર કરીને આફ્રિકાની શાળાઓ સુધી વિસ્તર્યો છે. 05 સપ્ટેમ્બર 'શિક્ષક દિન' તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ ઇનોવેટર શિક્ષકની સફર પ્રેરણા આપે તેવી છે.
ગ્રામીણ પ્રતિભાઓને મળ્યું ડિજિટલ મંચ
ગામડાંની સરકારી શાળાઓમાં મર્યાદિત સંસાધનો વચ્ચે પણ વિદ્યાર્થીઓ અનેક અનોખા પ્રયોગો કરે છે. આ સિદ્ધિઓ સમાજ સુધી પહોંચે તે માટે કેવલ મહેતાએ ‘શિક્ષાસ્ટોરીઝ’ (sikshastories) નામનું ડિજિટલ માધ્યમ શરૂ કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર વિડિયો અને રીલ્સ દ્વારા ગ્રાસરૂટ લેવલની શૈક્ષણિક પ્રવૃત્તિઓને ઉજાગર કરવામાં આવે છે.
આ માધ્યમથી ટુ-વ્હીલર સલામતી માટે વિદ્યાર્થીએ બનાવેલા નવતર હેલ્મેટથી લઈને ઝૂંપડપટ્ટીની દીકરીના વિમાન ઉડાડવાના સ્વપ્ન સુધીની કહાનીઓ લાખો લોકો સુધી પહોંચી રહી છે.
ડૉ. કલામના વિચારો અને વૈજ્ઞાનિક અભિગમનું સિંચન
પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોથી પ્રેરિત થઈને કેવલ મહેતા છેલ્લા 12 વર્ષથી શૈક્ષણિક કાર્યક્રમો ચલાવે છે, જેથી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને રાષ્ટ્રનિર્માણની ભાવના કેળવાય.. કેવલ મહેતા જણાવે છે કે - શિક્ષકનું કાર્ય માત્ર ભણાવવાનું નથી, પરંતુ વિદ્યાર્થીની અંદર રહેલી શક્તિને ઓળખી તેને વિચારવાની, પ્રશ્ન પૂછવાની અને કંઈક નવું સર્જવાની તક આપવાનું છે.
આફ્રિકાના યુગાન્ડામાં ભારતીય શિક્ષણ પદ્ધતિનો ડંકો
તાજેતરમાં તેમણે યુગાન્ડા (આફ્રિકા)ની શાળાઓ, શિક્ષકો અને NGOની મુલાકાત લઈને ત્યાંની શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો. સંવાદો અને પરિસંવાદો દ્વારા ભારતીય શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓના પ્રયોગો વિશે માહિતી શેર કરી.
પર્યાવરણ સંકલ્પ: મહેતા ગ્રુપની શતાબ્દી ઉજવણી નિમિત્તે સ્થાનિક 100 બાળકો સાથે 100 પર્યાવરણીય સંકલ્પો લેવડાવાયા.
વિચારસ્પર્ધા: આફ્રિકાના બાળકો માટે સમસ્યા-ઉકેલ (Problem Solving) આધારિત વિચારસ્પર્ધાનું આયોજન કરાયું.
વૈશ્વિક દૃષ્ટિ અને પરિવર્તનનો સંદેશ
અમરેલીથી શરૂ થયેલી આ સફર આજે આફ્રિકા સુધી પહોંચી છે. સ્થાનિક અનુભવને વૈશ્વિક દૃષ્ટિ સાથે જોડતી આ પહેલ શિક્ષક દિન નિમિત્તે દરેક શિક્ષકને વિદ્યાર્થીઓની ક્ષમતાઓને નવી દિશા આપવાની પ્રેરણા આપે છે.
