Amreli: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ ઘટનાને પગલે અમરેલી પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ ધારીના હિમખીમડીપરા વિસ્તારના એક મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખની શંકાસ્પદ પ્રવૃત્તિઓના આધારે ધરપકડ કરી છે. પોલીસે તેના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા સાત શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ મળવાની માહિતી મેળવી છે, જેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
SOGને ગેરકાયદેસર વસવાટ કરતા લોકોની તપાસ દરમિયાન મૌલાના પર શંકા ગઈ હતી. જ્યારે તેની પાસે આધાર પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે મૌલાનાએ કોઈ દસ્તાવેજો રજૂ નહતા કર્યા. જે બાદ SOGએ તેને ધારી પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરી, જેમાં ખુલાસો થયો કે તે મૂળ અમદાવાદના જુહાપુરા વિસ્તારનો રહેવાસી છે.
પોલીસે મૌલાના મોહમદફઝલ અબ્દુલઅઝિઝ શેખ સામે જાણવાજોગ દાખલ કરી અને તેનો મોબાઈલ કબજે કર્યો. મોબાઈલની તપાસમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા સાત શંકાસ્પદ વોટ્સએપ ગ્રૂપ મળી આવ્યા, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ SOGના PI આર.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.
આ અંગે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, મૌલાનાની પ્રવૃત્તિઓ શંકાસ્પદ લાગતાં તેની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેનું પાકિસ્તાની કનેક્શન હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જોકે હજી તપાસ ચાલુ છે અને આગળની પૂછપરછ બાદ સ્પષ્ટ થશે કે તેના પાકિસ્તાન કે અફઘાનિસ્તાન સાથે કોઈ ગુનાહિત જોડાણ છે કે નહીં.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે, અને પોલીસે આંતકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે સતર્કતા વધારી છે. રાજ્યભરમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે.
