Amreli News: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂતે અત્યાધુનિક હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ અપનાવીને વગર જમીને સફળ ખેતી કરી છે. પરંપરાગત ખેતી માટે ફળદ્રુપ જમીન અને યોગ્ય ગુણવત્તા વાળી માટીની જરુરિયાત રહેતી હોય છે પરંતુ લાઠીના નિવૃત્ત શિક્ષક મનસુખભાઈ રામાણીએ આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોઈલ લેસ ખેતી કરીને શાકભાજીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કર્યું છે. તેમજ સારી એવી કમાણી કરી છે.
3 એકરમાં હાઈડ્રોપોનિક્સ મોડેલ ફાર્મ
લાઠી ખાતે આ અનોખા કૃષિ પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલા નિવૃત્ત શિક્ષક મનસુખ રામાણીએ પોતાના ત્રણ એકરના મોડેલ ફાર્મમાં હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખીરા કાકડીનું વાવેતર કર્યુ છે. આ નવીનતમ પદ્ધતિનો સૌથી મોટો લાભ એ છે કેસ વાવેતર કર્યાના માત્ર 29 જ દિવસમાં કાકડીનું મોટું ઉત્પાદન શરુ થઈ ગયું છે.
3 ટન સુધીનો મબલખ પાક ઉતર્યો
હાલમાં ફાર્મની અંદર બીજી વીણીનું કામ ચાલી રહ્યું છે. 3 ટન સુધીનો મબલખ પાક ઉતારો મળી રહ્યો છે. આ તૈયાર થયેલો તમામ માલ વેચાણ અર્થે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોકલવામા આવે છે. બજારમાં હાલમાં પ્રતિ કિલો રુ. 30ની આસપાસ ભાવ મળી રહ્યો છે. જ્યારે અગાઉ રુ.20થી 40 સુધીના ભાવ પણ મળ્યા છે. ઓછા ફળદ્રુપ, પથરાળ કે ક્ષારવાળી જમીન ધરાવતા ખેડૂતો માટે આ પદ્ધતિ એક શ્રેષ્ઠ વિઝનરી સાબિત થઈ રહી છે.
હાઇડ્રોપોનિક્સ ખેતી શું છે
હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગ ટેકનોલોજીમાં છોડના મૂળ જમીન કે માટીના સીધા સંપર્કમાં આવતા નથી. જમીનને બદલે કોકોપીટ કે અન્ય વિશેષ માધ્યમ અને ન્યુટ્રિઅન્ટ્સ (પોષક તત્વો) મિશ્રિત પાણી દ્વારા છોડને જરૂરી તમામ ખોરાક પૂરો પાડવામાં આવે છે.
આ ઓટોમેટેડ સિસ્ટમમાં છોડને યોગ્ય ભેજ, અનુકૂળ તાપમાન અને ચોક્કસ પ્રમાણમાં પોષક તત્વો પૂરું પાડતું વાતાવરણ આપવામાં આવે છે. આથી જ ખરાબ કે બંજર જમીન ધરાવતા ક્ષેત્રોમાં પણ પ્રીમિયમ ગુણવત્તાયુક્ત શાકભાજીનું ગુણવત્તાસભર ઉત્પાદન શક્ય બને છે.
