VIDEO: અમરેલી જિલ્લામાં વનરાજનું 'રાજ', ધારી પંથકમાં છતડીયા નજીક એકસાથે 11 સાવજોએ રસ્તો ક્રોસ કર્યો

ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર સામાન્ય રીતે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. તેવામાં અચાનક છતડીયા પાસે 11 સિંહોનું મોટું ટોળું રસ્તા પર આવી ચડ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Feb 2026 04:38 PM (IST)Updated: Mon, 02 Feb 2026 04:38 PM (IST)
amreli-forest-scene-11-asiatic-lions-cross-road-together-near-chhatadiya-watch-video

Amreli Lion Video: અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વનરાજનો દબદબો જોવા મળ્યો છે. ધારીના છતડીયા ગામ નજીક સ્ટેટ હાઈવે પર એકસાથે 11 સિંહોનું ટોળું રસ્તો ક્રોસ કરતું જોવા મળતા વાહનચાલકોમાં કુતૂહલ સાથે ફાળ પડી હતી. જોકે, વનવિભાગની સતર્કતાને કારણે કોઈ પણ અઘટિત ઘટના વગર સિંહોએ સલામત રીતે માર્ગ પસાર કર્યો હતો.

11 સિંહોનું મોટું ટોળું રસ્તા પર આવી ચડ્યું

ધારી-અમરેલી સ્ટેટ હાઈવે પર સામાન્ય રીતે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. તેવામાં અચાનક છતડીયા પાસે 11 સિંહોનું મોટું ટોળું રસ્તા પર આવી ચડ્યું હતું. દિવસે જ સિંહોની આટલી મોટી સંખ્યામાં અવરજવર જોઈને માર્ગ પરથી પસાર થતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

રોડ ક્રોસિંગ કરતો વીડિયો સામે આવ્યો

સ્ટેટ હાઇવે પર સિંહોના આ શાહી ટોળાનો રોડ ક્રોસિંગ કરતો અદ્ભુત વીડિયો સામે આવ્યો છે. પ્રકૃતિપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં આ નજારો ચર્ચાનો વિષય બન્યો છે. સિંહોની આ શિસ્તબદ્ધ ચાલ અને વનવિભાગનું સંકલન જોઈ લોકો વનતંત્રની કામગીરીના વખાણ કરી રહ્યા છે.

અગાઉ 14 સિંહોનું આ ટોળું લટાર મારતું જોવા મળ્યું હતું

ધારી ગીર વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગત રાત્રિના સમયે વાઘાવડી ગામના સીમ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા ડાલામથાઓ એકસાથે વિહરતા જોવા મળ્યા હતા. રસ્તા પરથી પસાર થતા એક રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દુર્લભ નજારો કેદ કરી લીધો હતો. રાત્રીના અંધારામાં 14 સિંહોનું આ ટોળું રોડ પર લટાર મારતું હોવાના દ્રશ્યોએ લોકોમાં ભય મિશ્રિત રોમાંચ ઉભો કર્યો છે.

naidunia_image

અમરેલી જિલ્લામાં સૌથી વધુ 339 સિંહોની સંખ્યા નોંધાઈ છે

14 સિંહોના આ જમ્બો ગ્રુપનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહોનું ટોળું નિરાંતે શિકારની શોધમાં આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા વસ્તી ગણતરીના આંકડા મુજબ અમરેલી જિલ્લામાં સૌથી વધુ 339 સિંહોની સંખ્યા નોંધાઈ છે, જે સાબિત કરે છે કે અમરેલી જિલ્લો સિંહો માટે સૌથી સુરક્ષિત અને પસંદગીનું રહેઠાણ બની ગયો છે.