Amreli Floods: રાજુલામાં ભારે જહેમત બાદ ચાલકનો જીવ બચ્યોઃ કોઝવે પર પાણીના પ્રચંડ પ્રવાહમાં દૂધના કેન ભરેલી ગાડી તણાઈ

આસપાસના ગ્રામજનો અને L&T કંપનીના કર્મચારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ભયંકર પાણીના પ્રવાહને જોતા, યુવાનોએ તાત્કાલિક દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 27 Oct 2025 11:47 AM (IST)Updated: Mon, 27 Oct 2025 12:15 PM (IST)
amreli-floods-milk-cart-swept-away-near-lt-causeway

Amreli Floods: અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા રામપરા અને L&T કંપનીને જોડતા કોઝવે પર ભારે વરસાદને કારણે પૂરના પ્રવાહમાં એક દૂધના કેન ભરેલી ગાડી તણાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને બચાવ કામગીરીને પગલે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

કોઝવે પર પાણી હોવા છતાં ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારના સમયે ભારે વરસાદને કારણે રામપરા ડેમનું પાણી છોડવામાં આવતા રામપરા ગામ તરફ જતા કોઝવે પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો. જોખમી પ્રવાહ હોવા છતાં, એક દૂધના કેન ભરેલી માલવાહક ગાડીના ડ્રાઇવરે કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. મધ્યમાં પહોંચતા જ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે ગાડી પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી અને જોતજોતામાં તે પ્રવાહમાં તણાવા લાગી હતી. ગાડી પાણીના વહેણમાં ગરકાવ થતાં ડ્રાઇવરે જીવ બચાવવા માટે મહામહેનતે છત પર ચઢી ગયો હતો.

સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને L&T કંપનીના કર્મચારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ભયંકર પાણીના પ્રવાહને જોતા, યુવાનોએ તાત્કાલિક દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. મહામહેનતે અને જાનના જોખમે દોરડા વડે ડ્રાઇવર સુધી પહોંચીને તેને સુરક્ષિત રીતે પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ડ્રાઇવરને મોત સામે ઝઝૂમીને બચાવી લેવાયો હતો, પરંતુ દૂધના કેન ભરેલી ગાડી પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેના કારણે માલ-સામાનને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોઝવે પરથી વાહનવ્યવહાર બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અને લોકોને જોખમી કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરાઈ છે.

અમરેલી જિલ્લામાં ક્યા કેટલો વરસાદ વરસ્યો ?

અમરેલી જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ રાજુલા તાલુકામાં નોંધાયો છે. રાજુલા તાલુકામાં 6.22 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત લલીયામાં 3 ઇંચ, સાવરકુંડલામાં 2.9 ઇંચ, ખાંભામાં 1.7 ઇંચ, જાફરાબાદમાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીમાં 22 મિ.મી., ધારીમાં 19 મિ.મી. બગસરા અને લાઠીમાં 13-13 મિ.મી. વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત બાબરામાં 6 મિ.મી. કમોસમી વરસાદ નોંધાયો છે.