લોકલ ડેસ્કઃ અમરેલીના માણેકપરમાં આવેલી ત્રણ માળની હોટેલમાં મોડી રાતે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં અમરેલી ફાયર વિભાગ દ્વારા 20 લોકોનું રેસ્કયૂ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, અમરેલીના માણેકપરામાં આવેલી ત્રણ માળની હોટેલ નેપ્ચ્યૂન ઈનમાં આગ લાગ્યાની ઘટનાની જાણ કરાતા અમરેલી ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. આ ઘટના થઈ ત્યારે મોટા ભાગના લોકો બીજા માળે સૂતા હતા. આ પછી તેઓ બચાવ માટે અગાસી પર ચડી ગયા હતા. જયારે અમુક લોકો પોતાનો રૂમ લોક કરીને અંદર હતા.
ફાયર વિભાગ દ્વારા નિસરણી મૂકીને લોકોને સલામત રીતે 10 મીટરની ઊંચાઈએથી નીચે ઊતારવામાં આવ્યા હતા. તેમજ રૂમમાં ફસાયેલા 4થી 5 લોકોને રૂમના લોક તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ રીતે ટીમ દ્વારા બાળકો, મહિલાઓ વગેરે મળીને કુલ 20 લોકોનું રેસ્કય કરીને તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગ બુઝાવવા માટે ત્રણ વોટર બ્રાઉજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સતત બે કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવાયા બાદ વહેલી સવારે 4 કલાકે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
એસીના કમ્પ્રેસરમાં શોર્ટસર્કીટ થવાના કારણે આગ વુડન ફર્નિચરમાં મૂકેલા ટીવીમાં, તેમાંથી ફર્નિચરમાં અને તેમાંથી છત પર લગાવેલા પીઓપીમાં થઈને આખી હોટેલમાં પ્રસરી હતી. આ હોટેલ પાસે ફાયર સેફ્ટીનું લાયસન્સ છે તેમ છતા પણ મોટી આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી.