Lion VIDEO: ધારીના વાઘાવડીમાં કડકડતી ઠંડીમાં સાવજ પરિવારની લટર, શિકારની શોધમાં નીકળેલા 14 સિંહોનું ટોળું કેમેરામાં કેદ

રાત્રીના અંધારામાં 14 સિંહોનું આ ટોળું રોડ પર લટાર મારતું હોવાના દ્રશ્યોએ લોકોમાં ભય મિશ્રિત રોમાંચ ઉભો કર્યો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 29 Jan 2026 11:44 AM (IST)Updated: Thu, 29 Jan 2026 11:56 AM (IST)
14-asiatic-lions-spotted-together-in-dhari-amreli-gujarat-watch-video

Asiatic Lions Video in Dhari of Amreli: અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ફરી એકવાર અદભૂત દ્રશ્યો સર્જાયા છે. સામાન્ય રીતે લોકમુખે એવી કહેવત પ્રચલિત છે કે 'સિંહના ટોળા ન હોય', પરંતુ આ કહેવતને ફરી એકવાર ખોટી સાબિત કરતી ઘટના ધારીના વાઘાવડી ગામ નજીક બની છે. અહીં એક-બે નહીં પરંતુ પૂરા 14 સિંહોનું ટોળું એકસાથે જોવા મળતા પ્રકૃતિપ્રેમીઓમાં કૌતુક સર્જાયું છે.

રાત્રીના અંધકારમાં શિકારની શોધ પ્રાપ્ત વિગતો અનુસાર, ધારી ગીર વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ગત રાત્રિના સમયે વાઘાવડી ગામના સીમ વિસ્તારમાં શિકારની શોધમાં નીકળેલા ડાલામથાઓ એકસાથે વિહરતા જોવા મળ્યા હતા. રસ્તા પરથી પસાર થતા એક રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં આ દુર્લભ નજારો કેદ કરી લીધો હતો. રાત્રીના અંધારામાં 14 સિંહોનું આ ટોળું રોડ પર લટાર મારતું હોવાના દ્રશ્યોએ લોકોમાં ભય મિશ્રિત રોમાંચ ઉભો કર્યો છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ 14 સિંહોના આ જમ્બો ગ્રુપનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહોનું ટોળું નિરાંતે શિકારની શોધમાં આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા વસ્તી ગણતરીના આંકડા મુજબ અમરેલી જિલ્લામાં સૌથી વધુ 339 સિંહોની સંખ્યા નોંધાઈ છે, જે સાબિત કરે છે કે અમરેલી જિલ્લો સિંહો માટે સૌથી સુરક્ષિત અને પસંદગીનું રહેઠાણ બની ગયો છે.