કિશન પ્રજાપતિ, અમદાવાદઃ
અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડ એમ પંચધાતુમાંથી વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર બનાવાયું છે. 2200 કિલોનું આ શ્રીયંત્ર આગામી દિવસોમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં સ્થાપિત કરાશે. ત્યારે જય ભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલે ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે આ શ્રીયંત્રની વિશેષતા શું છે? અને કેવી રીતે બનાવવામાં આવ્યું? તે વિશે રસપ્રદ માહિતી શેર કરી હતી.
''ગમે તે વ્યક્તિ સરળતાથી પૂજા કરી શકે એટલું ઊંચું શ્રીયંત્ર બનાવ્યું''
જય ભોલે ગ્રુપના દિપેશભાઈ પટેલે જણાવ્યું કે, ''વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર તાબું, પિત્તળ, સોનું, ચાંદી અને લોખંડ એમ પંચધાતૂમાંથી બનાવવામાં આવ્યું છે. આ શ્રીયંત્રની ઉંચાઈ, પળોહાઈ અને લંબાઈ 4.6 ફૂટ છે. વ્યક્તિ તેનો હાથ સવા બે ફૂટ સુધી લાંબો કરીને સરળતાથી પૂજા કરી શકે એટલે આ શ્રીયંત્રની આટલી ઊંચાઈ રાખી છે.
દિપેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ શ્રીયંત્રમાં જોઈએ તો સૌથી પહેલાં નીચે ચારેય તરફ દ્વાર હોય છે, તેમાં આઠ સિદ્ધીઓનો વાસ હોય છે. આ સિદ્ધીના વાસની ઉપર ત્રણ આવરણ છે જે ભૂત, વર્તમાન અને ભવિષ્ય છે. એની ઉપર સોળ કમળની પાંખડી છે, જેના પર મા બિરાજમાન હોય છે. તેની ઉપર અષ્ટ નાગદલ છે. તેની ઉપર ચૌદ મનવંતર છે. તેની ઉપર જોઈએ તો 10 મહાવિદ્યા છે. તેની ઉપર 10 વિષ્ણુના અવતાર છે. તેની ઉપર આઠ વસુ છે. તેની ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા મહાલક્ષ્મી, મહાકાલી અને મહા સરસ્વતી દેવીઓનો વાસ છે. આ સૌથી ઉપર લલિતા ત્રિપુર સુંદરી જેને શ્રીયંત્રના દેવી કહેવામાં આવે છે તે બિંદુ સ્વરૂપે બિરાજમાન હોય છે.''
''આ શ્રીયંત્ર અંબાજી મંદિરમાં થશે તે અમારા માટે ગર્વની વાત છે''
દિપેશભાઈ પટેલે જણાવ્યું કે, ''અમે આઠ વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા. ચાર વર્ષ શ્રી વિદ્યા સમજ્યા બાદ 1500 વર્ષ પહેલાં આદિ શંકરાચાર્ય જે શ્રી વિદ્યા લખી છે તેના ભાગરૂપે સૌંદર્ય લહેરીની જે વિદ્યાઓ યંત્રની અંદર લખેલી છે. જેમાં યંત્ર કોને કહેવાય?, કયું પદ કયું છે? કઈ દેવી ક્યાં વાસ કરે છે? તો આ આખા યંત્રમાં આગળની સાઈડથી ઉપરના પાંચને શક્તિ કહેવામાં આવે છે. તેની પાછળના ઊપરથી પાંચ ભાગને શિવ કહેવામાં આવે છે. જેથી તેને યંત્રનો રાજા કહેવામાં આવે છે. આ શ્રીયંત્ર અંબાજી મંદિરમાં સ્થાપિત થાય એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.''

''શ્રીયંત્ર બનાવવા માટે શૃંગેરી મઠ અને જ્યોર્તિ મઠના શંકરાચાર્યનું માર્ગદર્શન લીધું''
દિપેશભાઈ પટેલે જણાવ્યું કે, ''રિસર્ચ કર્યા પછી ત્રણ વર્ષ પહેલાં એક 150mmનું શ્રીયંત્ર બનાવ્યું હતું. તેમાં જે ભૂલ હતી તે સુધાર્યા બાદ અમે શૃંગેરી મઠ અને જ્યોર્તિ મઠના શંકરાચાર્યનું માર્ગદર્શન લીધું હતું. બંને શંકરાચાર્યએ શ્રીયંત્રમાં સુધારા કરાવ્યા તે પછી અમે પહેલાં શ્રીયંત્રની એક રેપ્લિકા બનાવી જે એકદમ પરફેક્ટ હતું. જેના અનુસંધાનમાં અમે સેમ ટુ સેમ વિશ્વનું સૌથી મોટું 2200 કિલોનું પંચધાતુમાંથી શ્રીયંત્ર બનાવ્યું છે.''

''1200 ડિગ્રીએ સોનું અને ચાંદી રહે જ નહીં, પણ માની કૃપાથી આવું ના થયું''
દિપેશભાઈએ શ્રીયંત્રના મેકિંગ અંગે વાત કરતાં જણાવ્યું કે, ''આ યંત્ર બનાવવાની પ્રોસેસ અંગે જણાવું તો, સિમ્પલ ફાઉન્ડ્રીની અંદર આપણી કોઈપણ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો નથી એવું કહી શકાય. કેમ કે, જ્યારે સોનું અને ચાંદી ઓગાળવાનું હોય ત્યારે તેને ઓછું ટેમ્પરેચર જોઈએ છે. તો તાંબા, પિત્તળ અને લોખંડને ઓગાળવામાં વધુ 1200 ડિગ્રીથી ટેમ્પરેચર જોઈએ છે. આ સ્થિતિમાં સોનું અને ચાંદી એકદમ હોય 1200 ડિગ્રી પર રહે જ નહીં તે છતાં અમે જેટલું સોનું અને ચાંદી નાંખ્યું હતું એટલું જ અમને આ શ્રીયંત્રમાં પાછું મળ્યું છે. આ માની કૃપાથી જ શક્ય થયું છે.''