2029માં અમદાવાદ ખાતે યોજાશે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ, ભારતે રશિયા અને વેનેઝુએલાને આપી માત

ભારતમાં પહેલીવાર 2029માં વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ અમદાવાદમાં યોજાશે. રશિયાને પછાડી મળેલી આ ઐતિહાસિક સિદ્ધિ વિશે જાણો વિગતે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 25 Oct 2026 05:36 PM (IST)Updated: Sun, 25 Oct 2026 05:36 PM (IST)
world-weightlifting-championship-to-be-held-in-ahmedabad-in-2029-india-defeats-russia-and-venezuela

World Weightlifting Championship: ગુજરાત અને સમગ્ર ભારત દેશ માટે રમતગમત ક્ષેત્રે એક અવિસ્મરણીય અને ગૌરવશાળી સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરના શ્રેષ્ઠ વેઇટલિફ્ટર્સ હવે ગુજરાતના આંગણે પોતાનું કૌશલ્ય બતાવતા જોવા મળશે. ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) દ્વારા વર્ષ 2029ની પ્રતિષ્ઠિત 'વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ'ની યજમાની અમદાવાદને સોંપવામાં આવી છે. આ અંગે રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર ખુશી વ્યક્ત કરતા જાહેરાત કરી છે.

 

રશિયા અને વેનેઝુએલા જેવા દેશોને પછાડી ભારતે બાજી મારી

આંતરરાષ્ટ્રીય સ્તરે આ સ્પર્ધાની યજમાની મેળવવી ભારત માટે બિલકુલ સરળ નહોતી. 2029ની ચેમ્પિયનશિપ પોતાના દેશમાં યોજાય તે માટે રશિયા અને વેનેઝુએલા જેવા મજબૂત દાવેદારોએ પણ ભારે જોર લગાવ્યું હતું. જોકે, IWFના એક્ઝિક્યુટિવ બોર્ડે ભારતની વ્યવસ્થાપન ક્ષમતા અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પૂર્ણ વિશ્વાસ મૂકીને અમદાવાદના નામ પર આખરી મહોર લગાવી છે.

ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવે આ સિદ્ધિને ભારતીય રમતગમત ઇતિહાસનો એક સુવર્ણ દિવસ ગણાવ્યો છે. નોંધનીય છે કે, હાર્યા બાદ રશિયાને વર્ષ 2030ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાળવવામાં આવી છે, જ્યારે વેનેઝુએલાને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપની યજમાની સોંપાઈ છે.

2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ બનશે

આ આયોજન માત્ર એક ટુર્નામેન્ટ પૂરતું સીમિત નથી, પરંતુ ભારતીય ખેલાડીઓ માટે ગોલ્ડન તક સમાન છે. 2029માં અમદાવાદમાં યોજાનારી આ આઇડબલ્યુએફ (IWF) વર્લ્ડ ચેમ્પિયનશિપ, વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG) માટેની અધિકૃત ક્વોલિફાઇંગ ઇવેન્ટ પણ રહેશે. હોમ ગ્રાઉન્ડ અને ઘરઆંગણાના દર્શકોનો ટેકો મળવાને કારણે ભારતીય વેઇટલિફ્ટર્સને 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની જગ્યા પાકી કરવાની શ્રેષ્ઠ તક મળશે.

એશિયન અને કોમનવેલ્થ બાદ હવે ગ્લોબલ ઇવેન્ટનું હબ બનતું ગુજરાત

ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ સફળતાપૂર્વક યોજીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ 2025માં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ અને મે 2026માં એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની ભવ્ય યજમાની બાદ હવે 2029માં વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન એ વાતની સાબિતી છે કે ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને મળશે મોટો બૂસ્ટર ડોઝ

આવી મહાકાય વૈશ્વિક સ્પર્ધાના આયોજનથી રાજ્યના રમતગમત માળખાને તો નવું બળ મળશે જ, પણ સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ અમદાવાદને મોટો ફાયદો થશે. વિશ્વભરમાંથી આવનારા સેંકડો ખેલાડીઓ, કોચ, ટેકનિકલ સ્ટાફ અને વિદેશી ચાહકોના આગમનને કારણે અમદાવાદના હોસ્પિટાલિટી ક્ષેત્ર, હોટેલ ઈન્ડસ્ટ્રી, ટુરિઝમ અને સ્થાનિક વેપાર-રોજગારને ઘણો મોટો વેગ મળશે.