Ahmedabad to Dwarka Train: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રી માટે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલના કોચ હશે. આ ટ્રેનનું બુકિંગ આગામી તારીખ 31 જૂલાઇથી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે.
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રિપ) દોડાવવામાં આવશે. જેમાં ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ તારીખ 25 ઓગસ્ટ (રવિવાર)ના રોજ અમદાવાદથી સવારે 07.45 કલાકે ઉપડશે અને એ જ દિવસે 17:00 કલાકે ઓખા પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તારીખ 26 ઓગસ્ટ (સોમવાર)ના રોજ ઓખાથી સવારે 05.30 કલાકે ઉપડશે અને એ જ દિવસે 15.00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનો માર્ગમાં બંને દિશાઓમાં ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે.
