શું તમે પણ રેલવે સ્ટેશને પાણી પીતા ડરો છો? અમદાવાદ મંડળના આ લેટેસ્ટ રિપોર્ટના આંકડા જોઈને ચોંકી જશો!

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે 17થી 24 ઑક્ટોબર દરમિયાન હાથ ધરેલા 529 પીવાના પાણીના પરીક્ષણોમાં 100% સંતોષકારક પરિણામ હાંસલ કર્યું છે. અમદાવાદ અને વડનગર રેલવે સ્ટેશનો પર ક્લોરીન અને TDS ચકાસણી નિયમિત થઈ રહી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 26 Oct 2026 05:02 PM (IST)Updated: Mon, 26 Oct 2026 05:02 PM (IST)
western-railway-ahmedabad-100-safe-drinking-water-at-stations

Western Railway: અવારનવાર રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરતી વખતે ઘણા લોકો સ્ટેશન પર મળતા પાણીની શુદ્ધતા અંગે શંકા કરતા હોય છે. પરંતુ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે હાથ ધરેલા એક વિશેષ ગુણવત્તા તપાસ કાર્યક્રમે તમામ આશંકાઓ દૂર કરી દીધી છે. અમદાવાદ મંડળે તાજેતરમાં જાહેર કરેલો વોટર ક્વોલિટી રિપોર્ટ મુસાફરો માટે ખુબ જ રાહત આપનારો સાબિત થયો છે.

17 થી 24 ઑક્ટોબર દરમિયાન હાથ ધરાયું વિશેષ ગુણવત્તા ચકાસણી અભિયાન

પશ્ચિમ રેલવે પોતાના મુસાફરો અને રેલવે કર્મચારીઓને સુરક્ષિત તથા સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આ જ શ્રેણીમાં, નિયમિત પીવાના પાણીની ગુણવત્તા દેખરેખ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મંડળ દ્વારા 17 થી 24 ઑક્ટોબર, 2026 દરમિયાન અલગ-અલગ સ્ટેશનો પર પાણીની ગુણવત્તાના કુલ 529 પરીક્ષણો (Water Tests) કરવામાં આવ્યા હતા.

529માંથી 529 ટેસ્ટ પાસ

આ હાથ ધરાયેલા 529 પરીક્ષણોના પરિણામો અત્યંત સંતોષકારક રહ્યા છે, જેમાં બે મુખ્ય માપદંડો પર તપાસ કરવામાં આવી હતી-

466 અવશિષ્ટ ક્લોરીન (Residual Chlorine) પરીક્ષણો: પાણીમાં જંતુનાશક ક્લોરીનની યોગ્ય માત્રા ચકાસવા માટે.

63 બેક્ટેરિયોલોજિકલ (Bacteriological) પરીક્ષણો: પાણીમાં બેક્ટેરિયા કે અન્ય હાનિકારક સૂક્ષ્મ જીવોની ગેરહાજરી સુનિશ્ચિત કરવા માટે.

આ બંને માપદંડોમાં 100% અનુપાલન નોંધાયું છે, જે સાબિત કરે છે કે સ્ટેશનો પર ઉપલબ્ધ પાણી પીવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

TDS અને ક્લોરીનનું સતત મોનિટરિંગ

રેલવે સ્ટેશનો પર મૂકાયેલા વોટર કૂલર અને સામાન્ય નળમાંથી આવતા પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે મંડળનો તબીબી (Medical) વિભાગ અને સંબંધિત કર્મચારીઓ ચોવીસે કલાક કાર્યરત છે. સ્ટેશનો પર નિયમિત ધોરણે TDS (Total Dissolved Solids - કુલ ઓગળેલા ઘન પદાર્થો) અને રેસિડ્યુઅલ ક્લોરીનનું પ્રમાણ માપવામાં આવી રહ્યું છે.

મુસાફરોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રત્યે પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતા

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ માત્ર સ્ટેશનો પર જ નહીં, પરંતુ અન્ય રેલવે પરિસરો અને પ્રતિષ્ઠાનો પર પણ સ્વચ્છ પીવાની સુવિધા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈ જ બાંધછોડ ન થાય તે માટે આ પ્રકારની સઘન ચકાસણી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.