અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં ફરી જામશે ચોમાસું, બંગાળની ખાડી બાદ અરબ સાગર સક્રિય થતાં ઓક્ટોબર સુધી રહેશે વરસાદી માહોલ

અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 72 કલાકમાં સાર્વત્રિક વરસાદ વધશે અને 26 ઓગસ્ટથી બંગાળનો ઉપસાગર સક્રિય થતાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ પાછોતરો વરસાદ સારો રહેશે, જે કૃષિ પાકો માટે ફાયદાકારક ગણાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Aug 2026 07:21 PM (IST)Updated: Fri, 21 Aug 2026 07:21 PM (IST)
weather-expert-ambalal-patel-gujarat-rain-forecast-monsoon-till-october

Ambalal Patel Rain Forecast: આ વર્ષે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું એક સપ્તાહ મોડું બેઠા બાદ મોન્સૂન બ્રેકની સ્થિતિઓ સર્જાતી રહી છે. રાજ્યમાં એકાદ-બે ભારે વરસાદના રાઉન્ડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ માત્ર છૂટાછવાયા ઝાપટા જ વરસી રહ્યા છે.

ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા ભાગોમાં તો અડધું ચોમાસું વીતવા છતાં વરસાદના અભાવે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. એવામાં ગુજરાતમાં એક પછી એક વરસાદી સિસ્ટમો સક્રિય થવા છતાં જોઈએ તેવો મેઘાવી માહોલ જામતો નથી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.


આવનારા 72 કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના ઝાપટાનું પ્રમાણ વધશે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદના ઝાપટા વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે.

જેમ-જેમ સમય વીતશે તેમ-તેમ વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધતા જશે. જેના પરિણામે આગામી 72 કલાકમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ વધશે. આ સમયગાળામાં મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાંની સંભાવના છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર, રાજકોટ અને કચ્છના ભાગોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે.


26 ઓગસ્ટની આસપાસ બંગાળનો ઉપસાગર સક્રિય થશે, ગુજરાતમાં પાછોતરો વરસાદ સારો રહેશે

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે ઓસ્ટ્રેલિયાની આસપાસ એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જે બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી જાય છે. આ સિવાય પેસિફિક મહાસાગરમાં બનતી કેટલીક સિસ્ટમો પણ બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી રહી છે.

જેના પરિણામે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જોઈએ તેવો વરસાદ નથી પડતો. જો કે ધીમે-ધીમે આ સિસ્ટમો નબળી પડવાથી 26 ઓગસ્ટથી બંગાળનો ઉપસાગર પુનઃ સક્રિય થવાની શક્યતા છે. જેના પરિણામે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેશે.

સપ્ટેમ્બર મહિનામાં બંગાળનો ઉપસાગર વધારે સક્રિય રહેશે. 13 સપ્ટેમ્બરથી ભારે ગરમી પડવાની શક્યતા છે. આ ગરમીના કારણે હવાનું હળવું દબાણ ઉભુ થશે, જેનાથી અરબ સાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં પણ સપ્ટેમ્બરમાં વરસાદ વરસી શકે છે. જેથી જન્માષ્ટમી, પયુર્ષણ અને ગણેશ ચતુર્થી સુધી વરસાદી ઝાપટા પડી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચોમાસાની વિદાય અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, સપ્ટેમ્બર ઉપરાંત ઓક્ટોબર મહિનામાં પણ એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 10 થી 17 ઓક્ટોબર દરમિયાન પણ દરિયામાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે.

આમ હવે પછીના બે મહિનામાં દરિયામાં એક પછી એક સિસ્ટમ બનશે, જેની અસરથી ગુજરાતના ભાગોમાં પાછોતરો વરસાદ સારો રહેશે. આથી એટલું કહી શકાય કે, ચોમાસું નબળું રહેવા છતાં વરસાદ હજુ ગયો નથી.