Ahmedabad News: અમદાવાદ ખાતે આવેલા અંધજન મંડળ સ્થિત 30 જેટલા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ ગાયન અને નૃત્ય પ્રદર્શન મારફતે તેમની કલાત્મક પ્રતિભા રજૂ કરી હતી. સ્માઈલ ભરે ધાગે ટેલેન્ટ શોમાં તેમના દ્વારા આ કલાત્મક પ્રતિભા રજૂ કરવામાં આવી હતી.શ્રી મારૂતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ(SMILe) દ્વારા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) (અંધજન મંડળ) અમદાવાદના સહયોગથી સર્જનાત્મકતા, સર્વસમાવેશકતા અને રક્ષાબંધનના તહેવારના ઉત્સાહને ઉજવતા 'સ્માઇલ ભરે ધાગે' નામના એક ઉત્સાહસભર ટેલેન્ટ શૉનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમે અંધજન મંડળના લગભગ 30 દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓને ગાયન અને નૃત્ય પ્રદર્શન દ્વારા તેમની કલાત્મક પ્રતિભા રજૂ કરવા માટે એક સમર્પિત મંચ પૂરું પાડ્યું હતું.
બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન અમદાવાદના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે જ્યારે આપણા વિદ્યાર્થીઓને પોતાની જાતને અભિવ્યક્ત કરવાની સાચી તક મળે છે ત્યારે સર્વસમાવેશકતા વધુ ખીલે છે.સ્માઇલ સાથેનો આવો સહયોગ માત્ર મનોરંજન પૂરતો સીમિત નથી, તે વિદ્યાર્થીઓમાં અગાધ આત્મવિશ્વાસ વધારે છે અને દુનિયાને બતાવે છે કે કલાત્મક પ્રતિભાને કોઈ સીમાઓ હોતી નથી.
શ્રી મારૂતિ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયાએ જણાવ્યું હતું કે,રક્ષાબંધન એ કાળજી, સુરક્ષા અને સામાજિક એકતાના અતૂટ બંધનનું પ્રતીક છે.‘સ્માઇલ ભરે ધાગે’દ્વારા અમારો ઉદ્દેશ્ય આ યુવા કલાકારોની અસાધારણ ક્ષમતાઓને ઉજાગર કરીને એ ભાવનાને બિરદાવવાનો હતો.તેમના ઉત્સાહ અને કૌશલ્યને પ્રત્યક્ષ જોતાં, સમાજના દરેક વર્ગને સશક્ત અને પ્રોત્સાહિત કરતી સર્વસમાવેશક પહેલો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા વધુ દ્રઢ બને છે.
આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્ણ સૉલો અને ગ્રુપ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા.નિર્ણાયકોની પેનલે લય, સ્ટેજ પ્રેઝન્સ અને તકનીકી કૌશલ્યના આધારે સ્પર્ધકોનું મૂલ્યાંકન કર્યું હતું.
