PM Narendra Modi 76th Birthday:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે વિશ્વ ગુજરાતી સમાજ આપશે 76 હજાર કિચન ગાર્ડનના રોપાં

આ અભિયાન હેઠળ ટામેટાં, રીંગણની વિવિધ જાતો, મરચાં, દૂધી, તુરીયા અને કાકડી સહિતના રોપાંનું વિતરણ કરવામાં આવશે. રોપાં મેળવનાર લોકોને વાવેતર અને તેની જાળવણી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 16 Sep 2026 04:48 PM (IST)Updated: Wed, 16 Sep 2026 04:48 PM (IST)
vishwa-gujarati-samaj-to-distribute-76000-kitchen-garden-saplings-on-pm-modis-76th-birthday

PM Narendra Modi 76th Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને i-Hubના સહયોગથી ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન અંતર્ગત 76 હજાર કિચન ગાર્ડનના રોપાંના વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બરથી શરૂ થનારા આ અભિયાનનો હેતુ લોકોને પોતાના ઘરમાં શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તંદુરસ્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાનો છે.

આ અભિયાન હેઠળ ટામેટાં, રીંગણની વિવિધ જાતો, મરચાં, દૂધી, તુરીયા અને કાકડી સહિતના રોપાંનું વિતરણ કરવામાં આવશે. રોપાં મેળવનાર લોકોને વાવેતર અને તેની જાળવણી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. બાલ્કની, ટેરેસ અને બગીચામાં શાકભાજી ઉગાડવાની વિવિધ પદ્ધતિઓ અંગે તાલીમ આપવામાં આવશે.

ગુજરાતભરમાં વિવિધ સ્થળોએ આવનાર એક મહિના દરમિયાન રોપાંનું વિતરણ કરવામાં આવશે. રોપાં મેળવવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશન બાદ રોપાં કયા સ્થળેથી મેળવવાના રહેશે તેની માહિતી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.

આ પહેલ અંગે વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશ લખાણીએ જણાવ્યું હતું કે,ઘરમાં થોડાં શાકભાજી ઉગાડવાનું પગલું કદાચ નાનું લાગે, પરંતુ જ્યારે હજારો લોકો તેમાં જોડાય ત્યારે તેની મોટી અસર થઇ શકે છે. ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ના માધ્યમથી લોકોમાં પોતાના માટે ખોરાક ઉગાડવાનું મહત્ત્વ સમજાવવા અને વધુ તંદુરસ્ત તથા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો અમારો પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને હરિયાળા અને સ્વસ્થ સમાજ તરફ એક સકારાત્મક પગલાં સાથે જોડવાની આ એક તક પણ છે.

આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન અને વેચાણ પણ યોજાશે. 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં કુલ 35 સ્ટાર્ટઅપ્સ ભાગ લેશે. પ્રદર્શનમાં ઓર્ગેનિક ખેતી, ગાય આધારિત ઉત્પાદનો અને ટેક્નોલોજી ઉપરાંત ‘વેસ્ટમાંથી બેસ્ટ’ની વિચારસરણી સાથે વિકસાવવામાં આવેલા ઉત્પાદનો રજૂ કરવામાં આવશે.

પ્રદર્શન બાદ મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી અને વિશ્વ ગુજરાતી સમાજના મુખ્ય સંરક્ષક ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં કિચન ગાર્ડનના રોપાંનું વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અને અમદાવાદના મેયર હિતેશ બારોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી સુધીર રાવલ, સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન અમિત પારેખ અને પર્યાવરણ કમિટીના ચેરમેન નીતેશ શાહ પણ મંચ પર ઉપસ્થિત રહેશે.

વિશ્વ ગુજરાતી સમાજ ગુજરાત અને ગુજરાતીઓના હિત તથા કલ્યાણ માટે કાર્યરત બિનરાજકીય સંસ્થા છે. સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભારત તેમજ વિદેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. વિશ્વભરના ગુજરાતીઓને એક મંચ પર લાવવા ઉપરાંત ગુજરાત, ગુજરાતી ભાષા, ગુજરાતી અસ્મિતા અને ગુજરાતી સંસ્કૃતિના જતન તથા પ્રોત્સાહન માટે પણ સંસ્થા કાર્યરત છે.