Vande Bharat Express Menu: મુંબઈ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડતી દેશની હાઈ-સ્પીડ અને આધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેન્જરો માટે ખુશખબર છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા હવે આ ટ્રેનમાં મુસાફરોને ઘર જેવો સ્વાદ પીરસવા માટે ખાસ ગુજરાતી મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.
મેનુમાં શું હશે ખાસ?
ગુજરાતી મુસાફરોની રુચિને ધ્યાનમાં રાખીને રેલવેએ મેનુમાં પરંપરાગત વાનગીઓનો સમાવેશ કર્યો છે. હવે પેસેન્જરો ટ્રેનમાં થેપલા, ગુજરાતી દાળ, દૂધી-ચણાનું શાક, સુરતી દાળ, વટાણા-બટાકાનું શાક અને ઉપમા જેવી વાનગીઓનો આનંદ માણી શકશે. અત્યાર સુધી વંદે ભારતમાં મુખ્યત્વે નોર્થ અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ જ મળતી હતી, પરંતુ હવે સ્થાનિક સ્વાદ ઉમેરાતા મુસાફરી વધુ લિજ્જતદાર બનશે.
'વોકલ ફોર લોકલ': અન્ય રૂટ પર પણ સ્થાનિક સ્વાદ
રેલવેના જણાવ્યા મુજબ, દેશભરમાં દોડતી વંદે ભારત ટ્રેનોમાં જે-તે પ્રદેશની પ્રખ્યાત વાનગીઓ પીરસવાનો નિર્ણય લેવાયો છે:
- બિહાર (પટના-રાંચી): ચંપારણ્ય પનીર અને ચિકન.
- કેરળ (મંગલોર-ત્રિવેન્દ્રમ): કડલા કરી, કેરળ પરોઠા અને અપ્પમ.
- જમ્મુ-કાશ્મીર (કટરા-શ્રીનગર): અંબલ કદુ, જમ્મુ ચણા મસાલા અને કેસર ફિરની.
- પશ્ચિમ બંગાળ: કોશા પનીર અને મુર્ગીર ઝોલ.
- મહારાષ્ટ્ર-તેલંગાણા: કાંદા પોહા અને આંધ્ર કોડીકુરા.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસીઓને જે-તે રાજ્યની સંસ્કૃતિ અને ખાનપાનથી પરિચિત કરાવવાનો તેમજ મુસાફરી દરમિયાન પૌષ્ટિક અને પરિચિત ભોજન પૂરું પાડવાનો છે. આ નિર્ણયથી ખાસ કરીને સિનિયર સિટિઝન્સ અને નિયમિત મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
