OPEN IN APP

યુવકને જાહેરમાં જીવતો સળગાવી દેવાના કેસમાં બે સગા ભાઇઓને ફાંસી, સેશન્સ કોર્ટનો રેરેસ્ટ ઓફ રેર કેસ ચૂકાદો

By: Kishan Prajapati   |   Sun 02 Apr 2023 10:33 AM (IST)
two-cousins-were-hanged-in-the-case-of-burning-the-youth-alive-in-public-sessions-courts-rare-case-verdict-111771

લોકલ ડેસ્કઃ અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં સામાન્ય વાતમાં એક યુવકને જાહેરમાં પેટ્રોલ અને કેરોસીન છાંટી જીવતો સળગાવી દેવાના કેસમાં સેશન્સ કોર્ટે અતિ મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યો છે. જેમાં આરોપી નરેશ અમરસિંહભાઇ કોરી અને પ્રદીપ અમરસિંહભાઇ કોરીએ બંને સગા આરોપી ભાઇઓને ફાંસીની સજા ફટકારી છે.

અધિક સત્ર જજ વિજયસિંહ અભેસિંહ રાણાએ 118 પાનાનો ચુકાદો આપી યુવકને જાહે૨માં નિર્દયતા અને ક્રૂરતાપૂર્વક જીવતો સળગાવવાના કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી બંને આરોપી ભાઇઓને ફાંસીની સજા ફટકારી હતી. મહત્ત્વનું છે કે, બે સગા ભાઇઓને ફાંસીની સજા થઇ હોય તેવો આ સૌપ્રથમ કેસ છે.

આ કેસની ટ્રાયલ ચાલતાં સ૨કા૨પક્ષ તરફથી સરકારી વકીલ દેવેન્દ્ર પી.પઢિયારે કેસની હકીકત અને મહત્ત્વની દલીલોમાં જણાવ્યું હતું કે, ''ફરિયાદી પંકજભાઇ પાંડુરંગ પાટીલે ગત તા.25-8-2019ના રોજ એલજી હોસ્પિટલમાં બર્સ વોર્ડમાં ઇસનપુર પોલીસમથકના ASI સમક્ષ ફરિયાદની હકીકત જાહેર કરી હતી. જે મુજબ, ફરિયાદી છૂટક મજૂરી કામ કરતો હતો. ગત તા.24-8-2019ના રોજ જન્માષ્ટમીનો તહેવાર હતો એ દિવસે ફરિયાદી યુવકે તેનું બાઇક તેમની સોસાયટીની બહાર આવેલી કરિયાણાની દુકાન પાસે પાર્ક કર્યું હતું. ત્યારે પાડોશમાં નિર્મલકુંજ સોસાયટીમાં રહેતા આરોપી નરેશ કોરી અને તેનો ભાઈ પ્રદીપ કોરીએ ફરિયાદીની મોટરસાયકલમાંથી પેટ્રોલ કાઢયું હતું.''

''જે બાદ ફરિયાદીએ આરોપીઓને આ બાબતે ઠપકો આપતાં આરોપી પ્રદીપે પેટ્રોલ ફરિયાદી યુવક પર છાંટી દીધું હતું. જેથી મામલો બીચકયો હતો અને બહુ મોટો ઝઘડો થઇ ગયો હતો. ઝઘડો થતાં ફરિયાદીના પિતા પાંડુરંગ, દાદી સુમનબહેન સહિતના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કરતાં આરોપી નરેશ કોરીએ ફરિયાદીના પિતાને લાફો મારી દીધો હતો અને લોખંડની સળિયાથી ઇજા પહોંચાડી હતી. તો ફરિયાદીની દાદીને પણ લાત મારી હતી.''

''આરોપી પ્રદીપ કોરી તેના ઘરેથી કેરોસીન ભરેલો કેરબો લાવી ફરિયાદી યુવક પર અચાનક જ છાંટી દીધું હતું અને કોઇ કંઇ સમજે તે પહેલાં તેને દિવાસળી ચાંપી દીધી હતી. જેના કારણે યુવક જાહેરમાં સળગ્યો હતો. જો કે, આસપાસના લોકોએ યુવકને શરીરે માટી તથા ધાબળો નાંખી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને 108 મારફતે ઇમરજન્સીમાં એલજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જો કે, તે 90 ટકાથી વધુ દાઝી ગયો હોવાને લીધે ગત 4-9-2019ના રોજ તેનું એલજીમાં મોત નીપજયુ હતું.''

''આરોપીઓનો જઘન્ય અપરાધ બિલકુલ અક્ષમ્ય અને માફ ના કરી શકાય તેવો અપરાધ છે અને તેથી આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેરની વ્યાખ્યામાં ગણી આરોપીઓને ફાંસીની સજા ફટકારવી જોઇએ.'' સરકારી વકીલ દેવેન્દ્ર પઢિયારની દલીલો ગ્રાહ્ય રાખી અધિક સત્ર ન્યાયાધીશ વી.એ.રાણાએ બંને આરોપી સગા ભાઇઓને ફાંસીની મહત્તમ આકરી સજા ફટકારી હતી.

કયા પુરાવાઓના આધારે કોર્ટે આરોપીઓને ફાંસીની સજા ફટકારી
અધિક સત્ર ન્યાયાધીશ વી.એ.રાણાએ આ કેસમાં મરનાર યુવકના મરણોન્મુખ નિવેદન (કે જેમાં આરોપીઓના જઘન્ય અપરાધનું વર્ણન) એફએસએલ રિપોર્ટ, પીએમ કરનાર ડોકટરની જુબાની, સાક્ષીઓની જુબાની અને સાંયોગિક પુરાવાઓના આધારે બંને આરોપી ભાઇઓને ફાંસીની સજા ફટકારી હતી. એફએસએલ અધિકારીઓ દ્વારા બનાવવાળા સ્થળનું કરાયેલ પંચનામું, એકત્ર કરાયેલા પુરાવાઓ કે જેમાં કેરોસીનના અવશેષો, પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન્સની હાજરી સ્પષ્ટ થઇ હતી..

પીએમ કરનાર ડોકટરની કોર્ટે જોરદાર ઝાટકણી કાઢી
આ કેસમાં પીએમ કરનાર ડોકટર બ્રીજેશ ચૌહાણની જુબાની અને તેમના અભિપ્રાયને લઇ કોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર આલોચના કરી હતી અને પીએમ કરનાર ડોકટરની ઝાટકણી કાઢી હતી. કોર્ટે નોંધ્યું કે, પીએમ નોટમાં સંબંધિત કોલમમાં કરાયેલી નોંધ એક મેડિકલ ઓફિસર તરીકેની જવાબદારીને ઇરાદાપૂર્વક અવગણીને આરોપીને મદદરૂપ થવાના એકમાત્ર ઇરાદે કરેલી છે. ડોકટરે પોતાનો અભિપ્રાય વાજબી અને નિષ્પક્ષ જવાબ મેડિકલ જયુરીસપ્રુડન્સ અને ટોક્સીકોલજી મુજબ આપવો જોઇએ પરંતુ પીએમ નોટની કેટલીક નોંધને નજર અંદાજ કરીને સરકારી કર્મચારીને ન છાજે તેવુ કૃત્ય કરી વ્યવસાયિક ગેરવર્તણૂંક સોગંદ પરની જુબાની દરમ્યાન આચર્યુ હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાય છે. કોર્ટે ડોકટર બ્રીજેશ નારાયણભાઇ ચૌહાણ સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરવા રાજયના આરોગ્ય વિભાગના સેક્રેટરીને આ ચુકાદાની નકલ મોકલી આપવા પણ હુકમ કર્યો હતો.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.