SIR Gujarat: ગુજરાતની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 4.34 કરોડ મતદારો નોંધાયા અને 73.73 લાખ નામ રદ; લિસ્ટમાં તમારું નામ આ રીતે ચેક કરો

SIR Gujarat Voter List: ગુજરાતમાં ચાલી રહેલા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 20 Dec 2025 09:53 AM (IST)Updated: Sat 20 Dec 2025 09:53 AM (IST)
sir-gujarat-draft-voter-list-easy-steps-check-your-name-online-658695

SIR Gujarat Voter List: ગુજરાતમાં ચાલી રહેલા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં સતત દોઢ મહિના સુધી ચાલેલી સઘન કામગીરીના અંતે પ્રસિદ્ધ કરાયેલી આ યાદીમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. જો તમારું નામ યાદીમાં ન હોય અથવા વિગતોમાં ભૂલ હોય, તો સુધારા માટે નાગરિકોને 18 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે.

73.73 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી

SIR ની અસરકારક કામગીરી બાદ જાહેર કરાયેલા આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં કુલ 4.34 કરોડ મતદારો નોંધાયા છે. જ્યારે બીજી તરફ, અવસાન પામેલા 18 લાખ લોકો સહિત કુલ 73.73 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. ડુપ્લિકેટ નામ, સ્થળાંતર અને મૃત્યુ જેવા કારણોસર આ નામો રદ કરવામાં આવ્યા છે.

વાંધા-સૂચનો માટે 18 જાન્યુઆરી સુધીનો સમય

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મતદારનું નામ ડ્રાફ્ટ યાદીમાં ન હોય અથવા નામ કમી કરવા અંગે કોઈ વાંધો હોય, તો તેઓ 18 જાન્યુઆરી, 2026 સુધીમાં પોતાની રજૂઆત કરી શકશે. ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં તમામ વાંધા અરજીઓની ચકાસણી કરી તેનો નિકાલ કરવામાં આવશે. આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રસિદ્ધ થશે.

મતદારો માટે માર્ગદર્શિકા: કયા કામ માટે કયું ફોર્મ ભરવું?

  • નવું નામ ઉમેરવા (નામ ન હોય તો): ફોર્મ નં. 6 ભરીને જરૂરી પુરાવા અને ડેક્લેરેશન સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવી. (1 જાન્યુઆરી, 2026 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો પણ આ ફોર્મ ભરી શકશે).
  • વિગતો સુધારવા (ભૂલ હોય તો): ફોર્મ નં. 8 ભરીને આધાર પુરાવા સાથે અરજી કરવી.
  • વાંધો રજૂ કરવા: ફોર્મ નં. 7 ભરીને અરજી કરી શકાશે.

તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં કેવી રીતે ચેક કરશો?

નાગરિકો ઘરે બેઠા વેબસાઈટ અને મોબાઈલ એપ દ્વારા તેમનું નામ તપાસી શકે છે. આ માટે ceo.gujarat.gov.in, voters.eci.gov.in અથવા electoralsearch.eci.gov.in વેબસાઈટનો ઉપયોગ કરી શકાય છે. તે ઉપરાંત ECINET App, BLO અથવા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીનો પણ સંપર્ક કરી શકાય છે.

ઓનલાઇન નામ ચેક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા:

  • સૌ પ્રથમ https://electoralsearch.eci.gov.in/ વેબસાઈટ પર જાઓ.
  • ત્યાં તમને નામ સર્ચ કરવા માટે 3 વિકલ્પો મળશે: (1) EPIC નંબર દ્વારા, (2) વિગતો દ્વારા, (3) મોબાઈલ નંબર દ્વારા.
  • ઉદાહરણ તરીકે, જો તમે EPIC નંબર પસંદ કરો છો, તો તમારો EPIC નંબર નાખો, રાજ્ય સિલેક્ટ કરો અને કેપ્ચા કોડ એન્ટર કરો.
  • 'સર્ચ' બટન પર ક્લિક કરતા જ તમારી તમામ વિગતો (નામ, વિધાનસભા સીટ, પોલિંગ સ્ટેશન) સ્ક્રીન પર જોવા મળશે.
  • વધુમાં, voters.eci.gov.in પર જઈને તમે તમારા વિસ્તારની આખી યાદી PDF ફોર્મેટમાં પણ ડાઉનલોડ કરી શકો છો.