SIR Form Alert: ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા રાજ્યમાં મંગળવારથી શરૂ કરવામાં આવેલી ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા અંતર્ગત મોટી કાર્યવાહીની જોગવાઈઓ સામે આવી છે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી ભૂતિયા, બોગસ, અને બબ્બે સ્થળે નામો ધરાવતા મતદારોને દૂર કરવાનો છે.
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ મતદાર જાણી જોઈને ખોટી માહિતી આપશે અથવા બે સ્થળે મતદાર તરીકે નોંધાયેલા રહેવાનો પ્રયાસ કરશે, તો તેની સામે ફોજદારી ગુનો નોંધાઈ શકે છે.
એન્યુમરેશન ફોર્મમાં કરવી પડશે લેખિત કબૂલાત
SIR પ્રક્રિયા અંતર્ગત પ્રત્યેક મતદારે પોતાના ફોટોગ્રાફ સાથે એન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) ભરવાનું રહેશે. આ ફોર્મમાં સૌથી નીચેના ભાગમાં એફિડેવિટ (સોગંદનામું) જેવી જ લેખિત કબૂલાત ફરજિયાત બનાવવામાં આવી છે.
આ પણ વાંચો
મતદારે નીચે મુજબનો સ્વીકાર કરીને સહી કરવી પડશે:
'હું મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી રહ્યો છું અને ઉપરોક્ત નામ, જે હું/મારા કુટુંબના સભ્યનું છે, તે અન્ય કોઈ વિધાનસભા મતવિભાગ અથવા લોકસભા મતવિભાગમાં સામેલ નથી.'
'મને ખબર છે કે આ અરજી સંબંધિત ઉપરોક્ત નિવેદન અથવા જાહેરનામું ખોટું હોવા છતાં, હું જાણીને અથવા માન્ય રાખીને ખોટું નિવેદન આપું છું અથવા સત્ય માનતો નથી.'
ખોટી માહિતી રજૂ કરનારને સજાની જોગવાઈ
આ કબૂલાત પછી જો બૂથ લેવલ ઓફિસર (BLO) ને ખબર પડશે કે મતદારે ખોટી માહિતી આપી છે, ખોટા કે બનાવટી પુરાવા રજૂ કર્યા છે, અથવા બે જગ્યાએ નામ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે, તો તેની સામે કાયદેસરના પગલાં લેવાશે. ગુનો સાબિત થશે તે મતદાર સામે એક વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા આ બંને સજા થઈ શકે છે. આ કડક જોગવાઈ હોવાથી BLOsને પણ SIRની પ્રક્રિયાને ખૂબ જ સાવચેતીપૂર્વક પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
SIR કર્મચારીઓની બદલી પર ફેબ્રુઆરી 2026 સુધી રોક
SIRની મહત્તાને ધ્યાનમાં રાખીને ECIની સૂચનાના આધારે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે. જે અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ સઘન સુધારણાના કાર્યભારમાં જોડાયેલા છે અને મતદાર યાદી સુધારણાથી લઈને આખરી પ્રસિદ્ધિ સુધીના વિવિધ તબક્કે કામ કરી રહ્યા છે, તેમની બદલીઓ ફેબ્રુઆરી 2026 સુધી નહીં કરવા આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે SIR પ્રક્રિયા બાદ અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રસિદ્ધ થશે.
