Ahmedabad News: અમદાવાદ શહેરના સીજી રોડ પર ઓફિસ ધરાવતા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને તેના કર્મચારી દ્વારા આચરવામાં આવતું મસમોટું આર્થિક કૌભાંડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. દુબઈ સ્થિત સાયબર માફિયાઓ અને ક્રિકેટ સટ્ટાના બુકીઓ માટે બેંક એકાઉન્ટ્સ ભાડે આપી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવાના આ મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે CA આકાશ સોની અને મનોજ રામાવતની ધરપકડ કરી તેમની ઓફિસમાંથી ₹50 લાખ રોકડ સહિત કુલ ₹51.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
2.5 વર્ષમાં 54 બોગસ કંપનીઓનું જાળું
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, બોડકદેવમાં રહેતા CA આકાશ સોની અને તેની ઓફિસમાં કામ કરતા મનોજ રામાવતે છેલ્લા અઢી વર્ષમાં 54 જેટલી બોગસ પેઢીઓ બનાવી હતી. મનોજ અગાઉ બેંકમાં 15 વર્ષ સુધી સેલ્સ એક્ઝિક્યુટિવ અને મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાથી તેને બેંકિંગ સિસ્ટમની આંતરિક વિગતોની પૂરી જાણકારી હતી. તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના ડોક્યુમેન્ટ્સ થોડા રૂપિયાની લાલચ આપીને મેળવી લેતા હતા. ત્યારબાદ તેમના નામે બોગસ કંપનીઓ ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલાવતા અને પાસબુક, એટીએમ તેમજ ચેકબુક પોતાની પાસે રાખી લેતા હતા.
ટ્રાન્ઝેક્શનની મોડસ ઓપરેન્ડી અને દુબઈ કનેક્શન
આરોપીઓ સાયબર ગઠિયાઓના રૂપિયાની હેરાફેરી કરવા માટે અત્યંત શાતિર રીત અપનાવતા હતા:
- છેતરપિંડીની રીત: નવું સિમકાર્ડ ખરીદી બેંકમાં રજિસ્ટર કરાવતા જેથી મૂળ એકાઉન્ટ માલિકને ટ્રાન્ઝેક્શનના મેસેજ ન મળે.
- પ્લાનિંગ: સાયબર ઠગોની જરૂરિયાત મુજબ ઓનલાઇન કે રોકડ ઉપાડની લિમિટવાળા એકાઉન્ટ ખોલતા.
- બોગસ એન્ટ્રીઓ: ટર્નઓવર બતાવવા માટે બોગસ સેલ-પરચેઝની એન્ટ્રીઓ કરી કમિશન મેળવતા.
- રોકડની હેરાફેરી: જેમને મોટી રકમ રોકડમાં જોઈતી હોય તેમને બોગસ APMC એકાઉન્ટમાં RTGS કરાવી 0.50 પૈસા કમિશન લઈ રોકડ રકમ પૂરી પાડતા.
તપાસમાં દુબઈમાં રહેતા અનિલ ઠક્કરનું નામ પણ ખુલ્યું છે, જે ભારતીય નાગરિકો સાથે સાયબર ફ્રોડ અને ઓનલાઇન જુગાર રમાડી કરોડો રૂપિયા પડાવતો હતો. તેને 'MyMyLizza ગારમેન્ટ્સ' નામે એકાઉન્ટ ભાડે આપવા બદલ જય નાઈ અને તેજસ જોષીની પણ 'મ્યુલ હંટ' હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
CAની ઓફિસમાંથી જપ્ત કરાયેલો મુદ્દામાલ
ક્રાઇમ બ્રાન્ચે દરોડા દરમિયાન નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે:
- ₹50 લાખ રોકડ રકમ
- 99 સ્વાઇપ મશીન
- 103 ચેકબુક અને 27 એટીએમ કાર્ડ
- 26 સિમકાર્ડ અને 3 લેપટોપ
- 83 બોગસ કંપનીઓના લેટરપેડ અને સિક્કા
હાલમાં 15 જેટલી કંપનીઓ અને બેંક એકાઉન્ટ હજુ પણ એક્ટિવ મળી આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ હવે આ એકાઉન્ટ્સમાં થયેલા કરોડોના ટ્રાન્ઝેક્શન અને આ નેટવર્કના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તે અંગે ઊંડી તપાસ ચલાવી રહી છે.
