Check School Fees Online Gujarat: રાજ્યની ખાનગી શાળાઓમાં ફીના નામે થતી લૂંટ અટકાવવા માટે હવે વાલીઓએ શાળાના નોટિસ બોર્ડ પર નિર્ભર રહેવાની જરૂર નથી. ફી રેગ્યુલેટરી કમિટી (FRC) એ ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની ફીનું માળખું સાર્વજનિક કરી દીધું છે. વાલીઓ હવે ઘરે બેઠા જ જાણી શકશે કે તેમની બાળકની સ્કૂલ માટે સરકારે કેટલી ફી નિર્ધારિત કરી છે.
ઓનલાઇન ફી ચેક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
જો તમે તમારા બાળકની સ્કૂલની ફી વિશે મૂંઝવણમાં હોવ, તો નીચે મુજબના સરળ સ્ટેપ્સ અનુસરો:
- 1). સત્તાવાર વેબસાઇટની મુલાકાત: સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો અને FRCની સત્તાવાર વેબસાઇટ 'fregujarat.org' પર જાઓ.
- 2). વિગતોની પસંદગી: વેબસાઇટ પર ગયા પછી તમારે નીચે મુજબની વિગતો પસંદ કરવાની રહેશે:
જિલ્લો અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન: (દા.ત. અમદાવાદ શહેર કે ગ્રામ્ય).
બોર્ડ: (GSEB, CBSE, ICSE વગેરે).
માધ્યમ: (ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી).
- 3). શાળાનું નામ સર્ચ કરો: ઉપરની વિગતો નાખ્યા બાદ તમારી શાળાનું નામ સર્ચ બોક્સમાં લખો.
- 4). ઓર્ડર ડાઉનલોડ કરો: શાળાનું નામ દેખાતા તેના પર ક્લિક કરવાથી FRC દ્વારા નક્કી કરેલી ફીનો સત્તાવાર ઓર્ડર (PDF) ખુલશે.
- 5). વિગતવાર ફી જુઓ: આ ઓર્ડરમાં ધોરણ મુજબ અને વર્ષ વાઇઝ ફીનું સંપૂર્ણ માળખું આપેલું હશે. જેમાં ટ્યુશન ફી સહિતની તમામ મંજૂર થયેલી રકમની સ્પષ્ટતા હશે.


વધારાની ફી વસૂલાત સામે જાગૃતિ
FRC ના નવા નિયમો મુજબ, આ નિર્ધારિત ફી સિવાય એડમિશન ફી કે ટર્મ ફીના નામે વધારાની રકમ વસૂલવી ગેરકાયદે છે. જો કોઈ શાળા વેબસાઇટ પર દર્શાવેલ ફી કરતા વધુ રકમ માંગે છે, તો વાલીઓ આ ઓનલાઇન ઓર્ડરનો પુરાવા તરીકે ઉપયોગ કરીને શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકે છે.
આ ઓનલાઇન સુવિધાથી ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોમાં, જ્યાં હજારો ખાનગી શાળાઓ કાર્યરત છે, ત્યાં પારદર્શિતા આવશે અને વાલીઓની આર્થિક લૂંટ અટકશે.
