PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ નર્મદા જિલ્લાના એકતા નગર (કેવડિયા) ખાતે રૂ. 14,400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન દેશભરના ખેડૂતો માટે પીએમ-કિસાન યોજના હેઠળ કરોડો રૂપિયાનો હપ્તો જારી કરશે અને સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં સહભાગી થશે.
બનાસકાંઠામાં રૂ. 14,000 કરોડથી વધુના વિકાસ કાર્યો અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ
30 ઓક્ટોબરના રોજ સવારે પ્રધાનમંત્રી બનાસકાંઠાની મુલાકાતથી પોતાના પ્રવાસનો પ્રારંભ કરશે. સવારે 9:30 વાગ્યે તેઓ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને બનાસકાંઠાના ભીલડી ખાતે સ્થાપિત ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC)ની મુલાકાત લેશે. 127 એકરમાં પથરાયેલું આ સેન્ટર ઓફ એક્સેલન્સ દેશનું પ્રથમ એવું સુવિધા કેન્દ્ર છે જે ખાસ કરીને કાંકરેજ ગાયની ઓલાદના જેનિટિક અપગ્રેડેશન અને સંવર્ધન માટે સમર્પિત છે. આ ટેકનોલોજીથી પશુઓની ઓલાદ સુધારણા 10 થી 20 ગણી ઝડપી બનશે.
ત્યારબાદ સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન બનાસકાંઠામાં રૂ. 14,000 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પો દેશને સમર્પિત કરશે તેમજ મહત્વપૂર્ણ જાહેરાતો અને લોકાર્પણ કરશે.
પીએમ-કિસાનનો 24મો હપ્તો: દેશના લાખો ખેડૂતોને નાણાકીય સહાયરૂપે પીએમ-કિસાન યોજના હેઠળ રૂ. 19,000 કરોડનો 24મો હપ્તો જારી કરવામાં આવશે.
ગ્રીન એનર્જી અને ડેરી પ્રોજેક્ટ્સ: થરાદ અને રાધનપુર ખાતે બનાસ ડેરીના બે નવા બાયો-CNG પ્લાન્ટનો શિલાન્યાસ કરાશે. આ ઉપરાંત સનાદર ખાતે બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટનું વિસ્તરણ અને પાલનપુર ખાતે ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ (ASRS) રાષ્ટ્રને સમર્પિત કરાશે.
હાઇવે અને રેલ કનેક્ટિવિટી: રૂ. 2,600 કરોડના ખર્ચે અમદાવાદ-મહેસાણા રોડ (સ્ટેટ હાઇવે-41)ને 4-લેનમાંથી 8-લેન બનાવવાનો શિલાન્યાસ થશે. રેલવે કનેક્ટિવિટી વધારવા માટે અમદાવાદ (સાબરમતી)-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી MEMU ટ્રેનને લીલી ઝંડી અપાશે.
મેટ્રો અને આંગણવાડી કેન્દ્રો: અમદાવાદ મેટ્રો ફેઝ-૨A (એરપોર્ટ એક્સટેન્શન - 6 કિમી) અને ફેઝ-2B (ગિફ્ટ સિટી એક્સટેન્શન - 3.3 કિમી)નો શિલાન્યાસ કરાશે. સાથોસાથ રૂ. 800 કરોડના ખર્ચે 4,030 નવી બાળ-સહજ આંગણવાડીઓનો શિલાન્યાસ અને 361 પૂર્ણ થયેલી આંગણવાડીઓનું ઉદ્ઘાટન કરાશે.
એકતા નગર ખાતે 'ભારત પર્વ 2026' અને 'એકતા પ્રકાશ પર્વ'નું આયોજન
બનાસકાંઠાના કાર્યક્રમો પૂરા કર્યા બાદ પ્રધાનમંત્રી કેવડિયા સ્થિત એકતા નગર પહોંચશે. 30 ઓક્ટોબરે સાંજે 5:00 વાગ્યે તેઓ 'ભારત પર્વ 2026'નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ની ભાવનાને ચરિતાર્થ કરતા વિવિધ રાજ્યોની કળા, હસ્તકળા, વાનગીઓ અને લોક સંસ્કૃતિને પ્રદર્શિત કરશે, જે 15 નવેમ્બર 2026 સુધી ચાલશે.
સાંજે 7:45 વાગ્યે પ્રધાનમંત્રી 1.5 કરોડથી વધુ LED લાઈટ્સથી ઝહળહળતા 'એકતા પ્રકાશ પર્વ'ના સાક્ષી બનશે. આ લાઇટિંગ ફેસ્ટિવલમાં 530 મીટર લાંબો 'વેલી ઓફ ફ્લાવર્સ રોડ' અને 180 મીટર લાંબી 'ગ્લો ટનલ' મુખ્ય આકર્ષણ રહેશે, જે ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસની ઝાંખી કરાવશે. રાત્રે 8:15 વાગ્યે વડાપ્રધાન નર્મદા મહાઆરતીમાં ભાગ લેશે.
સરદાર પટેલની 151મી જન્મજયંતી: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
31 ઓક્ટોબરે સવારે 9:00 વાગ્યે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરશે.
ત્યારબાદ તેઓ એકતા નગરમાં રૂ. 400 કરોડથી વધુના નાગરિક અને પ્રવાસન સુવિધાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે, જેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફેકેડ લાઇટિંગ, IRCTC હોટેલ, નર્મદા ઘાટ અપગ્રેડેશન અને ઇકો-ટુરિઝમ પ્રકલ્પો સામેલ છે. વડાપ્રધાન રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની પણ મુલાકાત લેશે.
સાંજે 5:30 વાગ્યે પ્રધાનમંત્રી મુખ્ય 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં સામેલ થશે.
એકતા પરેડ: કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા શાનદાર પરેડ યોજાશે. આ પરેડમાં ડાબેરી ઉગ્રવાદ (નક્સલવાદ) સામે સુરક્ષા દળોએ મેળવેલી સફળતાઓ અને શાંતિની સ્થાપના પર ખાસ ભાર મુકાશે.
વિશેષ નાટ્ય પ્રદર્શન: નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા 'નક્સલ મુક્ત ભારત' થીમ પર એક વિશેષ નાટક રજૂ કરાશે, જેમાં ભૂતપૂર્વ નક્સલ પ્રભાવિત 126 જિલ્લાના 2,000 જેટલા કલાકારો ભાગ લેશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો: 'વંદે માતરમ્'ની મુખ્ય થીમ પર આધારિત ઝાંખીઓ અને દેશભરમાંથી આવેલા 5,000થી વધુ કલાકારો દ્વારા ભારતના વિવિધ નૃત્યો અને શાસ્ત્રીય સંગીતની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.
આમ, વડાપ્રધાનનો આ બે દિવસીય પ્રવાસ ગુજરાતના વિકાસને નવી ગતિ આપવાની સાથે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવશે.
