Aarti Sangani love marriage controversy: ગુજરાતી સિંગર કિંજલ દવે બાદ હવે વધુ એક પાટીદાર દીકરી અને ગાયિકા આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે લગ્ન કરી લેતા પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ મામલે સામાજિક બહિષ્કારની વાતો પણ વહેતી થઈ છે.
લગ્નની કાયદેસરતા પર ઉઠ્યા સવાલ
પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ આ મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, સિંગર આરતી સાંગાણી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને બિનજરૂરી વિવાદ ઊભો કરી રહી છે અને યુવા પેઢીને ગેરમાર્ગે દોરી રહી છે. માંગુકિયાએ એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, "આરતીએ જે યુવક સાથે લગ્ન કર્યા છે, તેની ઉંમર હજી 21 વર્ષ પૂર્ણ થઈ નથી. કાયદાકીય રીતે જો છોકરાની ઉંમર 21 વર્ષ ન હોય તો લગ્ન માન્ય ગણાતા નથી, તેથી એવું લાગે છે કે આરતી અત્યારે માત્ર મૈત્રી કરારમાં રહી રહી છે."
સમાજ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી
વિજય માંગુકિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સિંદૂર પૂરીને અને મંગળસૂત્ર પહેરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પાટીદાર સમાજની સામે આંગળી ચીંધવી એ કોઈ પણ રીતે યોગ્ય નથી. સમાજની ગરિમા જાળવવી દરેકની જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે, આરતી સાંગાણી અને સમાજના આગેવાનો વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સામસામે દલીલબાજી ચાલી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર પણ બે પક્ષો પડી ગયા છે.
સામાજિક બહિષ્કારની ચર્ચાઓ
આરતી સાંગાણીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી પાટીદાર સમાજના અમુક વર્ગમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમાજમાં એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે આવી રીતે લગ્ન કરનાર કલાકારોનો સામાજિક સ્તરે બહિષ્કાર કરવો જોઈએ. જોકે, બીજી તરફ આરતી સાંગાણી પોતાના નિર્ણય પર મક્કમ છે અને તેણે વીડિયો દ્વારા પોતાની વાત રજૂ કરી છે.
હાલમાં આ મામલો વધુ બિચક્યો છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે. કાયદાકીય અને સામાજિક મર્યાદાઓના મુદ્દે હવે બંને પક્ષો આમને-સામને આવી ગયા છે.
