Paresh Goswami, Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તેમના મતે આજે 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન રાજ્યના છૂટાછવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદના ઝાપટાં પડવાી શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ 2025ના અંતિમ દિવસો એટલે કે 30 અને 31 ડિસેમ્બર, તેમજ 1 જાન્યુઆરી, 2026ના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. આ કમોસમી વરસાદ પાછળનું મુખ્ય કારણ એક સક્રિય પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) છે, જે હાલ ઉત્તર ભારત પર સક્રિય છે. આ વિક્ષેપની અસરથી ઉત્પન્ન થતી વાદળોની લહેર પાકિસ્તાનના સિંધ પ્રાંત અને બલુચિસ્તાન થઈને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આ વિક્ષેપના કારણે 30 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શરૂઆત થશે, અને ત્યારબાદ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા થી સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. આ કમોસમી વરસાદની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા જિલ્લાઓના છૂટાછવાયા ભાગોમાં હળવા ઝાપટાં પડી શકે છે.
આ પણ વાંચો
આ વરસાદ અત્યંત સ્થાનિક સ્વરૂપનો હશે, એટલે કે એક સ્થળે વરસાદ થાય ત્યારે નજીકના 5-10 કિલોમીટરના અંતરે વરસાદ ન પણ જોવા મળે. કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાંની સંભાવના છે. ખાસ કરીને ભુજ, ખડીર, પ્રાથડ અને વાગડ જેવા સરહદી વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધુ રહી શકે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવા થી મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા છે. બનાસકાંઠાના વડગામ જેવા વિસ્તારોમાં પણ અસર વર્તાઈ શકે છે.
આમ, આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. 30 ડિસેમ્બરથી શરૂ થઈને 1 જાન્યુઆરી, 2026 સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી ઝાપટાંનું અનુમાન છે. વર્ષ 2025ની વિદાય અને 2026ની શરૂઆત વરસાદી વાતાવરણ સાથે થશે તેવો સંકેત પરેશ ગોસ્વામીએ આપ્યો છે.
