પરેશ ગોસ્વામીની આગાહીઃ માવઠામાંથી મુક્તિ મળતા હવે ગુજરાત ભઠ્ઠીમાં શેકાશે, 15 એપ્રિલ સુધી હીટવેવનો રાઉન્ડ રહેશે

આ હીટવેવનો રાઉન્ડ સતત 8 થી 10 દિવસ સુધી ચાલશે, આ દરમિયાન ઈસોલેટેડ વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીથી પણ વધુ પહોંચી શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Apr 2026 10:31 PM (IST)Updated: Wed, 08 Apr 2026 10:31 PM (IST)
paresh-goswami-ni-aagahi-temperature-to-rise-sharply-from-april-9
HIGHLIGHTS
  • માવઠાના બે રાઉન્ડ પૂરા થતાં 9 એપ્રિલથી તાપમાન ઉચકાશે

Paresh Goswami Ni Aagahi: ગુજરાત ઉપર એકસાથે 3 સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં અષાઢી માહોલ છવાયો હોય તેમ વરસાદ વરસ્યો હતો. જો કે હવે રાજ્યમાં માવઠાનો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને આવતીકાલથી ફરીથી તાપમાનમાં મોટો ઉછાળો જોવા મળશે.

આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં તાપમાન 38 થી 39 ડિગ્રીની આસપાસ નોંધાતું હતું. જો કે હવે 9 એપ્રિલથી તાપમાન ઉંચકાશે અને મોટા ભાગના વિસ્તારોમાં પારો 40 થી 42 ડિગ્રીની રેન્જમાં પહોંચશે.

ખાસ કરીને 15 એપ્રિલ સુધીમાં અમુક આઈસોલેટેડ વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ શકે છે. આ હીટવેવનો રાઉન્ડ સતત 8 થી 10 દિવસ સુધી ચાલવાની શક્યતા છે, જેથી નાગરિકોએ ગરમી માટે તૈયાર રહેવું પડશે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, એપ્રિલ મહિનામાં અત્યાર સુધી માવઠાના બે રાઉન્ડ જોવા મળ્યા છે. જેમાં પ્રથમ રાઉન્ડ 2 થી 4 એપ્રિલ અને બીજો રાઉન્ડ 6 થી 8 એપ્રિલ દરમિયાન રહ્યો હતો. જો કે હવે 20 એપ્રિલ 2026 સુધી રાજ્યમાં કોઈ પણ પ્રકારના માવઠાની શક્યતા નથી. અતિ ગરમીને કારણે છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાંટા પડે તે અપવાદ છે, બાકી મોટા માવઠામાંથી મુક્તિ મળતા હવે ખેડૂતોને રાહત મળશે.

ચૈત્રી દનૈયા વિશે વાત કરતાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 7 એપ્રિલનું પ્રથમ દનૈયું 80 થી 90 ટકા વિસ્તારોમાં નબળું અથવા ફેલ ગયું છે, જ્યારે 8 એપ્રિલનું બીજું દનૈયું મધ્યમ રહ્યું છે. અત્યારે પવનની ગતિ નોર્મલ કરતા થોડી વધારે એટલે કે 15 થી 20 કિમી પ્રતિ કલાકની જોવા મળી રહી છે, જે 15 એપ્રિલ સુધી યથાવત રહેશે. આમ હવે ગુજરાતમાં રાબેતા મુજબના ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને આગામી દિવસોમાં આકરી ગરમીનો સામનો કરવો પડશે.