અમદાવાદમાં રચાયો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ: વિશ્વ ધ્યાન દિવસે GMDC ગ્રાઉન્ડમાં 60 હજાર લોકોએ એકસાથે કર્યું મેડિટેશન

આ કાર્યક્રમ માત્ર એક દિવસીય ઉત્સવ નહોતો, પરંતુ 24 ઓક્ટોબરથી શરૂ થયેલા ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ’ નું ભવ્ય સમાપન હતું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 22 Dec 2025 08:31 AM (IST)Updated: Mon 22 Dec 2025 08:31 AM (IST)
on-world-meditation-day-in-ahmedabad-60-thousand-people-meditated-together-at-gmdc-ground-creating-a-world-record-659732

Ahmedabad GMDC Ground: અમદાવાદના આંગણે ગઇકાલે એક અભૂતપૂર્વ અને આધ્યાત્મિક ઈતિહાસ રચાયો છે. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અમદાવાદ ઝોનની સેવાઓના 60 વર્ષ પૂર્ણ થતા 'હીરક જયંતિ મહોત્સવ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિશ્વ ધ્યાન દિવસ (21 ડિસેમ્બર) ના અવસરે GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત 'શાંતિ અનુભૂતિ' કાર્યક્રમમાં એકસાથે 60 હજારથી વધુ લોકોએ રાજયોગ મેડિટેશન કરીને નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

વિશ્વ શાંતિ માટે મહાકુંભ

સમગ્ર વિશ્વમાં આ પ્રથમ એવો અવસર હતો જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોએ એક જ સમયે, એક જ સ્થળે એકત્ર થઈને વિશ્વ શાંતિ માટે શાંતિના પ્રકંપો ફેલાવ્યા હોય. સાંજે 6.45 થી 7.30 વાગ્યા સુધી ચાલેલા આ સામૂહિક રાજયોગમાં 300થી વધુ વિદેશી NRI ભાઈ-બહેનો અને શહેરના 90 જેટલા VVIP મહાનુભાવો પણ સહભાગી થયા હતા.

'બિલિયન મિનિટ્સ ઓફ પીસ' પ્રોજેક્ટનું સમાપન

આ કાર્યક્રમ માત્ર એક દિવસીય ઉત્સવ નહોતો, પરંતુ 24 ઓક્ટોબરથી શરૂ થયેલા ‘બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ’ નું ભવ્ય સમાપન હતું. આ અભિયાન અંતર્ગત લાખો લોકોએ ઓછામાં ઓછા 21 દિવસ સુધી રોજ 5 મિનિટ ધ્યાન કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રોજેક્ટનો વિસ્તૃત રિપોર્ટ હવે સંયુક્ત રાષ્ટ્ર (UN) માં સબમિટ કરવામાં આવશે. નોંધનીય છે કે યુએન મહાસભાએ 2024માં જ 21 ડિસેમ્બરને 'વિશ્વ ધ્યાન દિવસ' તરીકે ઉજવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો.

આધ્યાત્મિક શક્તિ અને સમાજ સુધારણા

સંસ્થાના વરિષ્ઠ ગીતાબેન અને શારદાબેને જણાવ્યું હતું કે, 60 વર્ષની આ યાત્રા દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. રાજયોગ મેડિટેશન દ્વારા લોકોએ અંધવિશ્વાસ, વ્યસન અને તણાવ જેવી નકારાત્મકતા પર વિજય મેળવ્યો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં જ્યારે વિશ્વમાં યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે, ત્યારે આ સામૂહિક ધ્યાન માનવ જાતિમાં હિંમત અને સકારાત્મકતા લાવવાનું કામ કરશે.

આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે મનની શાંતિ કોઈ મોંઘા સાધનોથી નહીં, પરંતુ અંતર્મુખી થઈને પરમાત્માના સ્મરણથી જ મળે છે. 60 હજાર શ્વેત વસ્ત્રધારી ભાઈ-બહેનોના મૌન અને શિસ્તબદ્ધ ધ્યાને અમદાવાદના વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું હતું.