NIPER Ahmedabad Research: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદના સંશોધકોએ વૈજ્ઞાનિક ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. મેલેરિયાની સારવારમાં વપરાતી દવા દર્દીના શરીરમાં લોહીના લાલ રક્તકણો (RBCs) સુધી કેટલી માત્રામાં પહોંચે છે તે ચોકસાઈપૂર્વક માપવા માટે એક નવી લેબોરેટરી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ સંશોધન દવાની આડઅસરો અને તેની અસરકારકતાના વિગતો સાથેના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
રેડ બ્લડ સેલ્સને તૂટતા અટકાવવામાં મળશે મદદ
મેલેરિયાની સારવાર માટે 'ટેફેનોક્વિન' (Tafenoquine) નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, કેટલાક ઉત્સેચકો કે ચોક્કસ ક્ષમતાની ઊણપ ધરાવતા દર્દીઓમાં આ દવાથી લાલ રક્તકણોને નુકસાન પહોંચવાની અને રક્તકણો તૂટી જવાથી લોહીની ઉણપ થવાનો ભય રહે છે. આ બાબતને ગંભીરતાથી લઈને નાઇપરના વૈજ્ઞાનિકોએ ઉંદરના લોહી પર પ્રયોગો કરીને આ પદ્ધતિ તૈયાર કરી છે, જેથી લોહીના પ્રવાહી ભાગ (પ્લાઝમા) અને લાલ રક્તકણોમાં દવાની અલગ-અલગ માત્રા જાણી શકાય. આ માહિતીથી ભવિષ્યમાં દવાની આડઅસરો ઘટાડવામાં મોટી મદદ મળશે.
આ રીતે સંશોધન કરી 99 ટકા શુદ્ધતાવાળા લાલ રક્તકણો મેળવાયા
સંશોધકોએ આ નવીનતમ સંશોધન પદ્ધતિ ચાર મુખ્ય તબક્કામાં પૂર્ણ કરી છે:
1) અલગીકરણ: સૌપ્રથમ સંશોધકોએ ઉંદરના લોહીના નમૂનાનો ઉપયોગ કરીને તેમાંથી પ્લાઝમા અને લાલ રક્તકણોને અલગ કરવાની વિશેષ પદ્ધતિ તૈયાર કરી 99% શુદ્ધતાવાળા રક્તકણો મેળવ્યા હતા.
2) દવાનું પ્રમાણ: ત્યાર બાદ ખાસ આધુનિક મશીનની મદદથી પ્લાઝમા અને લાલ રક્તકણોમાં રહેલી ટેફેનોક્વિન દવાનું ચોક્કસ પ્રમાણ માપવામાં આવ્યું.
3) અત્યંત સૂક્ષ્મ માપન: આ પદ્ધતિ એટલી સંવેદનશીલ છે કે એક મિલિલીટર નમૂનામાં દવાની માત્ર 0.5 નેનોગ્રામ જેટલી ઓછી માત્રા હોય તો પણ તેને ચોકસાઈથી માપી શકાય છે.
4) સમય આધારિત તપાસ: દવાનું પ્રમાણ યોગ્ય રીતે મપાય છે કે નહીં તે માટે અલગ-અલગ સમયે તેના પરિણામો મેળવીને તેની ચકાસણી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ પરીક્ષણ
આ સંશોધનની ચોકસાઈ અને વિશ્વસનીયતા આંતરરાષ્ટ્રીય ICH M10 માર્ગદર્શિકાના માપદંડો મુજબ ચકાસવામાં આવી છે. મુખ્ય સંશોધક ડૉ. આકાશ રાજપૂતે જણાવ્યું હતું કે, "અમે દવાનું પ્રમાણ માપવા 0.5 થી 800 નેનોગ્રામ પ્રતિ મિલિલીટર સુધીની માપન શ્રેણી નક્કી કરી છે. આ પદ્ધતિની મદદથી પ્લાઝમા અને લાલ રક્તકણોમાં દવાનું પ્રમાણ એકસાથે અલગથી જાણી શકાય છે."
