Ahmedabad Nikol Accident: અમદાવાદના નિકોલમાં અક્ષર હોસ્પિટલ નજીક ગઈ કાલે મોડી રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ એક બેફામ કારચાલકે બે મહિલાઓ સહિત 4 લોકોને અડેટે લીધા હતા. જેમાં આ કારની અડફેટે આવતા માતા-પુત્રના મોત નિપજ્યા હતા. જોકે, કાર ચાલક ફરાર થાય તે પહેલાં જ લોકોએ તેને મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીનું નામ 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ઘટનામાં ગંભીર રીતે ઈજા પામેલા ચણિયાચોળી વેચનારા માતા અને તેમના 15 વર્ષીય પુત્રનું કરુણ મોત થયું હતું. જ્યારે ખરીદી કરી રહેલા પતિ અને પત્નીનું ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે.
2 લોકોના મોત, 2 ઈજાગ્રસ્ત
આઈ ડીવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ. એસ. આઈ સુમરા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે, અક્ષર હોસ્પિટલ પાસે ફૂટપાથ પર ફોર્ચ્યુનર ચાલકે મોટી દુર્ઘટના સર્જી હતી. આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં 2 લોકોના મોત થયા અને 2 લોકો ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર હેઠળ છે. આ મૃતકોના નામ પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમના 15 વર્ષના પુત્ર સાગર જીતેન્દ્રભાઈ નગવાડિયા છે.
આરોપી સામે માનવવધનો ગુનો નોંધાયો
જ્યારે આ ઘટનામાં એક યુવક કાર્તિક વસોયા અને અન્ય સ્ત્રીને પણ ઈજાઓ પહોચી હોવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જ્યારે આરોપીની કારની તલાશી લેવામાં આવી તો તેની કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. દુર્ઘટના સર્જ્યા બાદ ટોળાએ આરોપીને માર મારીને પોલીસે હવાલે કર્યો. માર મારવાથી ઈજાઓ પામેલા કારચાાલકને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હાલ આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 105 (સાપરાધ માનવવધ) અને મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે.
પોલીસ તપાસમાં 6 બિયરના કેન મળ્યા
નિકોલમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં પોલીસને શરુઆતમાં બે જ બિયરના ટીન મળ્યા હતા. પરંતુ જ્યારે પોલીસે સઘન રીતે કારની તલાશી લેતાં ચાર બિયરના ટીન મળ્યા હતા. જ્યારે આ કાર વિરુદ્ધ અગાઉ પણ સરકારી ચોપડે ફરિયાદ નોંધાઈ ગઈ છે. એસપી રિંગ રોડ પર કાર પૂરપાટ ઝડપે દોડતી હોવાનો ઓવરસ્પીડિંગનો ઈ મેમો 26 ફ્રેબ્રુઆરી 2026ના રોજ આપવામાં આવ્યો હતો.
