નળસરોવર ફરવા જનારાઓ માટે ખુશખબર! 1 ડિસેમ્બરથી બોટિંગ શરૂ, 200 નવી બોટ ઉમેરાશે

અમદાવાદ નજીક આવેલા વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભ્યારણ્ય ખાતે 1 ડિસેમ્બરથી બોટિંગની વિધિવત્ત શરુઆત થવા જઈ રહી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 09:19 AM (IST)Updated: Wed, 04 Nov 2026 09:19 AM (IST)
nalsarovar-bird-sanctuary-boating-starts-from-dec-1-with-200-new-boats

Nalsarovar Boating Start Date: અમદાવાદમાં થોડા સમય પહેલા કાંકરિયા તળાવમાં બોટિંગ શરુ થઈ હતી. પરંતુ હવે અમદાવાદ નજીક આવેલા વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભ્યારણ્ય ખાતે 1 ડિસેમ્બરથી બોટિંગની વિધિવત્ત શરુઆત થવા જઈ રહી છે. જ્યારે બીજી તરફ પ્રવાસીઓન સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વોટર સ્પોર્ટ્સના સંયુક્ત ઉપક્રમે 230 સ્થાનિક વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ માટે વિશેષ લાઈફ સેવિંગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

200 બોટ્સ ઉમેરવામાં આવશે

નળસરોવરમાં આ મહિને જ નવી 200 બોટનો ઉમેરો કરવામાં આવશે. જેનું એલોટમેન્ટ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરાશે. જ્યારે નળસરોવર ખાતે અકસ્માતો અટકાવવા અને કટોકટી વ્યવસ્થાપનને વધારે મજબૂતી પ્રદાન કરવા માટે 4 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન લાઈફ સેવિંગ ટેકનિક્સ -વોટર સ્પોર્ટ્સ ઓપરેટર્સ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક ઓપરેટરોને 5 દિવસની વિવિધ બેચમાં વિભાજિત કરીને લાઈફગાર્ડની ફરજો, વોટર રેસ્ક્યૂ ટેક્નિક્સ, સ્વિમિંગ કૌશલ્ય, સીપીઆર અને પ્રાથમિક સારવાર અંગેની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

પ્રવાસીઓની સુરક્ષા વધારવા વિશેષ તૈયારી

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15,877થી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓએ નળસરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી છે. શિયાળાની ઋતુમાં પ્રવાસીઓ અને પક્ષીપ્રેમીઓની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક ઓપરેટર્સને સજ્જ કરવાથી નળસરોવરમાં ડૂબવા કે અન્ય અકસ્માતનું જોખમ ઘટશે અને સહેલાણીઓને સુરક્ષિત અને વિશ્વસનીય બોટિંગનો અનુભવ મળશે.