મોરબીમાં મચ્છુ કાંઠે ભક્તિનો મહાસાગર: BAPS મંદિરમાં મહંત સ્વામીના હસ્તે 17 દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા

મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ ઉપરાંત રાધા-કૃષ્ણ ભગવાન, પ્રભુ શ્રીરામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા તેમજ નીલકંઠ વર્ણી મહારાજ સહિત કુલ 17 મૂર્તિઓની સંપૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપના કરવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 25 Oct 2026 12:27 PM (IST)Updated: Sun, 25 Oct 2026 12:27 PM (IST)
morbi-baps-temple-pran-pratishtha-of-17-divine-idols-performed-by-mahant-swami

Morbi News: મોરબીમાં મચ્છુ નદીના કિનારે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે ભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં મંદિરના ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ સહિત કુલ 17 જેટલા દેવી-દેવતાઓની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ પવિત્ર અવસરના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો મોરબી ખાતે ઉમટી પડ્યા હતા. બીજી તરફ, આજે સાંજે યોજાનારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વિવિધ મંત્રીઓ અને રાજકીય આગેવાનો ખાસ હાજરી આપવાના છે.

ગર્ભગૃહમાં રાધા-કૃષ્ણ, રામ અને શિવ પરિવારની મૂર્તિઓનું સ્થાપન

પ્રાપ્ત વિગતો અનુસાર, મચ્છુ કાંઠે આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં સ્થાનિક લોકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ દરમિયાન મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ ઉપરાંત રાધા-કૃષ્ણ ભગવાન, પ્રભુ શ્રીરામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા તેમજ નીલકંઠ વર્ણી મહારાજ સહિત કુલ 17 મૂર્તિઓની સંપૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપના કરવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણે સમગ્ર પરિસર હરિભક્તોના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મચ્છુ નદીના કાંઠે જાણે વહેલી દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો અને આખું મોરબી ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.

એકસાથે 5000 ભક્તો બેસી શકે તેવો વિશાળ કૂલિંગ હોલ

મહત્વની વાત એ છે કે, નવનિર્મિત મંદિરમાં દર્શનાર્થીઓની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં 5000 હરિભક્તો કોઈપણ પ્રકારના થાંભલા કે પિલરના અવરોધ વગર એકસાથે બેસી શકે તેવો વિશાળ પિલર-લેસ કૂલિંગ સત્સંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આજે સવારના ધાર્મિક વિધિ-વિધાન સંપન્ન થયા બાદ હવે સાંજે 4 વાગ્યાથી વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થશે. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સરકારના મંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહીને મહોત્સવની શોભા વધારશે.

રવાપરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા

આ મહોત્સવના ભાગરૂપે ગઈકાલે રવાપર ગામના રામેશ્વર પાર્ટી પ્લોટથી નવનિર્મિત મંદિર સુધી ઠાકોરજીની એક ભવ્ય નગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મંદિરમાં જે મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરવામાં આવશે તેની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી. સમગ્ર રૂટ પર મોરબી સિરામિક એસોસિએશન, વિવિધ સામાજિક સંગઠનો અને જ્ઞાતિ સમાજો દ્વારા શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જ્યારે મહંત સ્વામી મહારાજે શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન કરીને ઉપસ્થિત સૌ ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.