Gujarat High Court: મહેસાણાની એક યુવતી પોતાના પરિવારને છોડીને પરિણીત પુરુષ સાથે રહેવા લાગતા પિતા દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરાઇ હતી. ગુજરાત હાઇકોર્ટના આદેશથી પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરતાં યુવતીએ પોતાની મરજીથી જ પરિણીત પુરુષ સાથે રહેવા ગઈ હોવાની વાત કરી હતી. આ મામલે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
સમગ્ર મામલા વિશે જાણો?
ગુજરાત હાઇકોર્ટમાં મહેસાણાના એક પિતાએ પોતાની 23 વર્ષીય દિકરીને પરત મેળવવા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે માંગ કરી હતી કે પુત્રીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. તેને એક પરિણીત પુરુષે ગોંધી રાખી છે અને એમાં તેના પરિવારના 20 સભ્યએ પણ તેનો સાથ આપેલ છે.
જૂન મહિનાથી પુત્રી ઘરેથી નીકળી ગઈ હતી. તેને અનેક જગ્યાએ શોધવામાં આવી હતી, પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. તેમજ પુત્રીને ભગાડી જનાર વ્યક્તિ તેમના દૂરના સગા જ થાય છે. પુત્રી ઘરમાંથી 50,000 રૂપિયા રોકડા અને તેના ઓળખના પુરાવા લઈને ગાયબ થઈ છે. જે વ્યક્તિએ તેને ગોંધી રાખી છે તેના પરિવારજનોએ ધમકી આપી હતી કે તેમની બીજી પુત્રીને પણ ભગાડી જશું. જો પોલીસને જાણ કરવામાં આવશે તો તેમની પુત્રીને મારી નાખવામાં આવશે.
પિતાએ કોર્ટમાં અરજી કરી હતી
દીકરીના પિતાએ મહેસાણા પોલીસને અરજી આપી હતી. પરિણીત પુરુષની ગેરકાયદે કસ્ટડીમાં પોતાની પુત્રી હોવાથી કોર્ટ સમક્ષ રજૂ કરી પિતાને કસ્ટડી આપવાની માંગ કરાઇ છે. પિતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, તેની પુત્રી જેની સાથે ભાગી છે તે પહેલાંથી જ પરિણીત છે. તેની પ્રથમ પત્ની પણ હયાત છે અને તેને બે વર્ષનો દીકરો પણ છે, જે તેની સાથે જ રહે છે.
હાઇકોર્ટના આદેશથી પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરી
હાઇકોર્ટના આદેશથી પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન દિકરીએ જણાવ્યું કે, તે પોતાની મરજીથી પરિણીત પુરુષ સાથે રહે છે. તે જે વ્યક્તિ સાથે રહે છે તેની પહેલી પત્ની છે અને તેનાથી તેને એક પુત્ર પણ છે. બધી જ હકીકતોની તેને ખબર જ હતી. કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારની પુત્રીને ગેરકાનૂની રીતે ગોંધી રાખવામાં આવી નથી. તે પુખ્ત અને પરિપક્વ છે. આ અંગે વધુ સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં યોજાશે.
