અમદાવાદમાં સરદાર પટેલની 151મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી: અભિનેતા મનોજ જોશી ભજવશે 'સરદાર' નાટક

અમદાવાદમાં સરદાર પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદારધામ દ્વારા અભિનેતા મનોજ જોશી અભિનીત 'સરદાર' નાટકનું આયોજન કરાયું છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 30 Oct 2026 03:40 PM (IST)Updated: Fri, 30 Oct 2026 03:40 PM (IST)
manoj-joshi-sardar-play-ahmedabad-sardar-patel-151st-birth-anniversary

Sardar Patel Jayanti 2026: સરદારધામ અમદાવાદ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નેશનલ લેવલે ખ્યાતિ પ્રાપ્ત અભિનેતા મનોજ જોશી દ્વારા અભિનીત ભવ્ય હિન્દી નાટક 'સરદાર - ધ આર્કિટેક્ટ ઑફ યુનાઈટેડ ઈન્ડિયા'નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 31 ઓક્ટોબર 2026, શનિવારના રોજ સાંજે 7.45 કલાકે સરદારધામ ફેઝ-2 કન્યા છાત્રાલય બાજુના ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાશે.

5 હજાર લોકો નાટક નિહાળશે

મુંબઈ સહિત દેશના અન્ય રાજ્યોના નાટ્યગૃહોમાં બહુમૂલ્ય તરીકે પ્રસ્તુત થતું આ મોટીવેશનલ નાટક ગુજરાતની યુવા પેઢી સહિત તમામ લોકોને પ્રખર રાષ્ટ્રવાદથી અભિભૂત કરશે, જેને આશરે 5 હજારથી વધુ ભાઈઓ-બહેનો નિહાળશે. આ સાથે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ વર્ષ દરમિયાન સરદારધામ 'હર ઘર સરદાર' અભિયાન દ્વારા સરદાર સાહેબના કાર્યો અને તેમનું સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પણ કરશે. નોંધનીય છે કે, આ પ્રસ્તુતિ ફક્ત આમંત્રિતો માટે જ રાખવામાં આવી છે.

10 હજાર બિઝનેસમેનની ઉપસ્થિતિ

આ સાથે જ સરદારધામ દ્વારા અમદાવાદ ખાતે આગામી તારીખ 7, 8 અને 9 જાન્યુઆરી 2027 દરમિયાન ઈન્ટરનેશનલ કન્વેન્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઈન્ટરનેશનલ કન્વેન્શનનો મુખ્ય હેતુ વિશ્વભરના પાટીદાર સમાજનું સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક જોડાણ મજબૂત બનાવી એકતા, સહયોગ અને સમાજના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો છે. 3 દિવસીય કન્વેન્શનની રૂપરેખા મુજબ, 7 જાન્યુઆરી 2027ના રોજ સાંજે 5.00 થી 7.00 વાગ્યા દરમિયાન દેશ-વિદેશના 10 હજાર બિઝનેસમેનોની ઉપસ્થિતિમાં ઓપનિંગ સેરેમની યોજાશે.

સાંજે એક શામ NRI કે નામ' કાર્યક્રમ યોજાશે

8 જાન્યુઆરીના રોજ અલગ-અલગ ઈન્ડસ્ટ્રીઝવાઈઝ 8 સેમિનાર અને સાંજે 5.00 થી 8.00 વાગ્યા સુધી 'એક શામ NRI કે નામ' કાર્યક્રમ યોજાશે, જેનો હેતુ દેશ-વિદેશમાં રહેલી તકો વિશે પરસ્પર સંવાદ સાધવાનો છે. 9 જાન્યુઆરીના રોજ અલગ-અલગ સેક્ટરવાઈઝ 8 સેમિનારો બાદ સાંજે 4.00 થી 8.00 વાગ્યા દરમિયાન ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરાશે, જેમાં 3 દિવસના કન્વેન્શનના નિષ્કર્ષની જાહેરાત સાથે આગામી ગ્લોબલ બિઝનેસ સમિટ અને કન્વેન્શનના સ્થળની જાહેરાત કરવામાં આવશે. આ કન્વેન્શન અંતર્ગત મિશન-2047ના રોડમેપ દ્વારા યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેના નવા રોડમેપની માહિતી આપવામાં આવશે તેમજ રૂ. 10 હજાર કરોડનું ફંડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સરદારધામના પાંચ મુખ્ય સંકલ્પો

સરદારધામ તેના પાંચ મુખ્ય લક્ષબિંદુઓ મેળવવા સંકલ્પબદ્ધ છે, જેમાં:

  • 30 હજાર દીકરા-દીકરીઓ માટે ગુરૂકુલમ/યુનિવર્સિટી અને વિવિધ એકેડમીઓનું નિર્માણ
  • 30 હજાર વિદ્યાર્થીઓ માટે પરવડે તેવા હોસ્ટેલ પ્રોજેક્ટનું નિર્માણ
  • 30 હજાર યુવાનોને GPSC, UPSC, જ્યુડિશિયરી અને ડિફેન્સ જેવી વહીવટી સેવાઓમાં મોકલવા
  • GPBS થકી 30 હજાર કરોડનો બિઝનેસ ઊભો કરવો
  • 1 લાખના યુવા સંગઠન થકી 'સમાજ જોડો અભિયાન' ચલાવવાનો સમાવેશ થાય છે.