Gujarat Road Development: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી અને મહત્વપૂર્ણ જિલ્લાઓની કાયાપલટ કરવા માટે એક મોટો અને દૂરગામી નિર્ણય લીધો છે. રાજ્યના ધોરીમાર્ગોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને હાઈ-સ્પીડ કોરિડોર અંતર્ગત વિકસાવવા માટે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાને કુલ 692 કરોડ રૂપિયાનું માતબર ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
કચ્છ અને બનાસકાંઠા માટે કરોડોનું રોડ પેકેજ
સરકારની સર્વગ્રાહી વિકાસની નીતિ અંતર્ગત કચ્છ જિલ્લાના અતિમહત્વના રસ્તાઓને 7 મીટરથી વધારીને 10 મીટર પહોળા કરવા માટે 363 કરોડ રૂપિયા ફાળવાયા છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં મહત્વના માર્ગને ફોરલેન કરવા માટે 229 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જે સ્થાનિક નાગરિકો માટે મોટી રાહત સમાન છે.
કચ્છ જિલ્લામાં કયા રસ્તાઓનું થશે નવિનીકરણ?
કચ્છના સરહદી અને પ્રવાસન ક્ષેત્રે ધમધમતા વિસ્તારોને જોડતા નીચેના ત્રણ મુખ્ય માર્ગોને 7 મીટરથી પહોળા કરીને 10 મીટરના કરવામાં આવશે.
- પાન્ધ્રો - નારાયણ સરોવર રોડ
- લખપત - નારાયણ સરોવર રોડ
- દયાપર - સુભાષપર પાન્ધ્રો રોડ
બનાસકાંઠાવાસીઓને ફોરલેનની ભેટ
ઉત્તર ગુજરાતના મહત્વના વેપારી કેન્દ્ર સમાન બનાસકાંઠા જિલ્લામાં શિહોરીથી પાટણ તરફ જતા રોડને વધુ આધુનિક બનાવવામાં આવશે. આ માર્ગને 10 મીટરથી પહોળો કરીને સંપૂર્ણપણે ફોરલેન કરવા માટે 229 કરોડ રૂપિયાનું કામ મંજૂર કરાયું છે, જેથી વાહનવ્યવહાર વધુ સરળ બનશે.
ઉદ્યોગો, વેપાર અને પ્રવાસન ક્ષેત્રને મળશે મોટો વેગ
આ રસ્તાઓ આજુબાજુના તાલુકાઓને જોડતા હોવાથી ગ્રામીણ નાગરિકોની અવરજવર ખૂબ જ સલામત બનશે.
ઔદ્યોગિક વિકાસ: રસ્તાઓ પહોળા અને ફોરલેન બનવાથી નાના-મોટા ઉદ્યોગો, વાણિજ્ય વિસ્તારો તથા કૃષિ ઉત્પાદનોનું પરિવહન ઝડપી બનશે.
પ્રવાસન ક્ષેત્ર: નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા પ્રખ્યાત યાત્રાધામો સુધી પહોંચવાનો પ્રવાસ હવે વધુ આરામદાયક બનશે, જેનાથી પર્યટનને પણ નવો વેગ મળશે.
