Mad Sandhu Murder Case: પંજાબના પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મેડ સંધૂ ઉર્ફે મધૂ સૂદન હત્યાકેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે. ગોલ્ડી ઢિલ્લોન ગેંગના શૂટર પરમિંદર કાકાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. વાંચી મેડ સંધૂ હત્યાકાંડની સંપૂર્ણ વિગત.
અમૃતસરમાં કેવી રીતે થયો હતો હત્યાકાંડ?
જાણીતા પંજાબી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મેકઅપ આર્ટિસ્ટ મેડ સંધૂની ગત 3 ઓક્ટોબરના રોજ પંજાબના અમૃતસરમાં લોહારકા રોડ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાના દિવસે મેડ સંધૂ લોહારકા રોડ પર આવેલા એક કાર વોશિંગ સેન્ટર પર પોતાની ગાડી ધોવડાવવા માટે પહોંચ્યા હતા.
આ દરમિયાન મોટરસાઈકલ પર સવાર થઈને આવેલા બે નકાબપોશ હુમલાખોરોએ અત્યંત નજીકથી તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગુનો આચર્યા બાદ હુમલાખોરો બાઈક પર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મેડ સંધૂને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે કરી ધરપકડ
આ ઘટના બાદ પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવા એકત્ર કરીને તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન હુમલાખોરોના ભાગવાના રસ્તાની માહિતી મેળવતા તપાસની કડીઓ ગુજરાત સુધી પહોંચી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાતથી બે આરોપીની અટકાયત કરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) અજીત રાજિયને જણાવ્યું હતું કે, ઝડપાયેલા મુખ્ય આરોપીની ઓળખ પરવિંદર પ્રસાદ ઉર્ફે પરમિંદર કાકા તરીકે થઈ છે. તે ગોલ્ડી ઢિલ્લોન ગેંગ સાથે જોડાયેલો છે અને તેણે જ મેડ સંધૂ પર ગોળીઓ ચલાવી હતી, તેમજ બાઈકની વ્યવસ્થા કરી હતી. પરમિંદર પ્રસાદ શનિવારે સાંજે હત્યા કર્યા બાદ અમૃતસર છોડીને ભાગી ગયો હતો.
ગોલ્ડી ઢિલ્લોન ગેંગે હત્યાની જવાબદારી લીધી
હત્યાકાંડના તુરંત બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લોન ગેંગે મેડ સંધૂની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. પંજાબ પોલીસ આ સોશિયલ મીડિયા દવાની સત્યતા ચકાસી રહી છે.
કોણ હતા ઈન્ફ્લુએન્સર મેડ સંધૂ (મધુસૂદન)?
મેડ સંધૂ સોશિયલ મીડિયા પર પોતાના અનોખા કન્ટેન્ટ અને ફેશન માટે જાણીતા હતા. તેઓ જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને ઈન્ફ્લુએન્સર હતા તેમજ પોડકાસ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર જાતિગત મુદ્દાઓ પર ખુલ્લીને વાત કરતા હતા. તેમના ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર 2.26 લાખ ફોલોઅર્સ હતા. તેમણે પંજાબી ફિલ્મ 'Oye Bhole Oye' માં પણ કામ કર્યું હતું.
પોતાની અલગ કન્ટેન્ટ સ્ટાઈલ અને કપડાંની પસંદગીને કારણે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડતો હતો. કેટલાક મહિનાઓપહેલાં એક નિહંગ સિખે પણ તેમના કન્ટેન્ટ અને પોશાક સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેનાથી યુવાનો પર ખરાબ અસર પડતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
