કે.એન. યુનિવર્સિટીમાં 94 વિદ્યાર્થીઓને પદવી એનાયત, CM પટેલે કહ્યું- 'શિક્ષણ એ ચારિત્ર્ય અને રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ'

K.N. યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોને વિકસિત ભારત 2047ના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 25 Oct 2026 09:24 AM (IST)Updated: Sun, 25 Oct 2026 09:24 AM (IST)
kn-university-first-convocation-ceremony-bhupendra-patel-22-students-medals

KN University First Convocation: ડૉ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે યોજાયેલ કે.એન. યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,વિદ્યાર્થીઓને આજે જે ડિગ્રી મળી રહી છે તે માત્ર તેમની કારકિર્દી નિર્માણ પૂરતી સીમિત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેની પણ એક નવી દિશા છે. યુવાનોએ માત્ર સારી નોકરી કે વ્યવસાય પૂરતું સીમિત ન રહેતા જ્ઞાન સાથે વિનમ્રતા, સફળતા સાથે સંવેદના અને શક્તિ સાથે જવાબદારી પણ નિભાવવાની છે. શિક્ષણ એ ચારિત્ર્ય નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ અને સમાજ માટે સમર્પણનું એક સક્ષમ માધ્યમ છે.

પદવીદાન સમારોહમાં સીએમ પટેલે શું કહ્યું?

વડાપ્રધાન મોદીની 25 વર્ષની નિષ્ઠાવાન જનસેવાને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પણ દિવસની રજા લીધા વિના સતત રાષ્ટ્રહિત અને જનસેવા માટે કાર્ય કર્યું છે. વિશ્વમાં આવું ઉદાહરણ કદાચ બીજા ક્યાંય જોવા નહીં મળે. વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઈને યુવાનોએ શીખવું જોઈએ કે

મહેનત કરવાનો થાક નથી લાગતો, પરંતુ મહેનત કર્યાનો હર્ષકારો અનુભવાય છે.

રાજ્યમાં 110 જેટલી યુનિવર્સિટીઓ કાર્યરત

અત્યારના સ્ટાર્ટઅપ યુગનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આજે પદવી મેળવનાર યુવાનોમાંથી ઘણા પોતાના સ્ટાર્ટઅપ કે બિઝનેસ પ્લાન સાથે આગળ વધશે. રાજ્યમાં શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે થયેલા વ્યાપક પરિવર્તન અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ, સંશોધન અને કૌશલ્ય વિકાસને વિકાસના પાયાના સ્તંભ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.

વડાપ્રધાનના મુખ્યમંત્રી કાળથી જ હાયર એજ્યુકેશનને આપવામાં આવેલા મહત્વના પરિણામે આજે કે.એન. યુનિવર્સિટી સહિતની પ્રાઈવેટ યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મળી રહ્યું છે. આજે રાજ્યમાં 110 જેટલી યુનિવર્સિટીઓ કાર્યરત છે.

યુવાન 'જોબ સીકર' મટીને 'જોબ ગિવર' બન્યો- સીએમ પટેલ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતીય જ્ઞાન પરંપરા, માતૃભાષા અને આધુનિક વિજ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે એઆઈ , સેમિકન્ડક્ટર, રોબોટિક્સ, સ્પેસ ટેકનોલોજી, ગ્રીન એનર્જી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સમાં યુવાનો માટે તકોના દ્વાર ખુલ્યા છે, જેના કારણે દેશનો યુવાન 'જોબ સીકર' મટીને 'જોબ ગિવર' બની રહ્યો છે.

મુખ્યમંત્રીએ યુવાનોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના 'વિકસિત ભારત 2047'ના વિઝનને સાકાર કરવાની સૌથી મોટી જવાબદારી યુવાશક્તિના શિરે છે. ડિગ્રી સાથે પ્રામાણિકતા અને જ્ઞાન સાથે સંવેદના જોડીને 'વિકસિત ભારત' માટે 'વિકસિત ગુજરાત' બનાવવા સૌ યુવાનો સજ્જ થાય તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી.

22 તેજસ્વી છાત્રોને સન્માનિત કર્યા

આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાના 9 સુવર્ણ, 6 રજત અને 7 કાંસ્ય ચંદ્રકથી મળી 22 તેજસ્વી વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા.આ ઉપરાંત 94 વિદ્યાર્થીઓને વિવિધ શાખાની પદવી એનાયત કરવામાં આવી હતી