Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 માત્ર ચાર દિવસમાં જ લોકપ્રિયતાના નવા શિખરો સર કરી રહ્યું છે. 25 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ થયેલા આ ઉત્સવમાં પ્રથમ ચાર દિવસમાં જ 5 લાખ 17 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. ભીડને જોતાં તંત્ર દ્વારા સલામતી અને સુવિધાના સચોટ પગલાં લેવામાં આવ્યા છે.
કાર્નિવલમાં ઉમટ્યો માનવમહેરામણ
કાર્નિવલના શરૂઆતના દિવસોથી જ સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી મુલાકાતીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
- ગુરુવાર (પ્રથમ દિવસ): 1.31 લાખ લોકો
- શુક્રવાર: 89 હજાર લોકો
- શનિવાર: 1.20 લાખ લોકો
- રવિવાર (ચોથો દિવસ): 2 લાખથી વધુ લોકો (રેકોર્ડબ્રેક હાજરી)

પોલીસની સંવેદનશીલતા: ખોવાયેલા બાળકોને પરિવાર સાથે મિલાવ્યા
કાંકરિયા પરિસરમાં પરિવાર સાથે આવેલા મુલાકાતીઓમાંથી કેટલાક બાળકો ભીડમાં છુટા પડી ગયાના બનાવો સામે આવ્યા હતા. આવા તમામ કિસ્સાઓમાં પોલીસ દ્વારા તાત્કાલિક અને સંવેદનશીલ રીતે કાર્યવાહી કરીને બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનો સાથે મિલાવવાની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં કાર્નિવલ દરમિયાન કાર્યરત વિશેષ કંટ્રોલ રૂમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. કંટ્રોલ રૂમ મારફતે મળતી માહિતીના આધારે સંબંધિત ટીમો ઝડપી કાર્યવાહી કરી શકી, જેના કારણે નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

સુચારુ ટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે કાંકરિયાના આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન અને પાર્કિંગનું માઈક્રો પ્લાનિંગ કર્યું છે. માર્ગ નિયંત્રણના પગલાંને કારણે આટલી મોટી સંખ્યા હોવા છતાં ટ્રાફિકનો પ્રવાહ સુચારુ રહ્યો છે અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો નથી.
સલામતી અને અન્ય સુવિધાઓ
- મેડિકલ ટીમો અને એમ્બ્યુલન્સ સેવાઓ ખડેપગે.
- ફાયર અને ઇમર્જન્સી સેવાઓ સ્ટેન્ડબાય.
- પીવાના પાણી, સફાઈ, લાઈટિંગ અને હંગામી શૌચાલયોની સુવ્યવસ્થિત સુવિધા.
- મુલાકાતીઓની મદદ માટે માહિતી સહાય કેન્દ્રોની સ્થાપના.

સાંસ્કૃતિક અને મનોરંજનનો ત્રિવેણી સંગમ
કાંકરિયા કાર્નિવલ આજે માત્ર મનોરંજનનો ઉત્સવ નહીં પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ, સામૂહિક આનંદ અને પર્યટન વિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. ચાર દિવસમાં નોંધાયેલી વિશાળ હાજરી અને સુવ્યવસ્થિત આયોજનથી કાર્નિવલ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે અને આગામી દિવસોમાં પણ આ ઉત્સવને વિશાળ જનસમર્થન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

