Kankaria Carnival-2025: અમદાવાદીઓના પ્રિય એવા ‘કાંકરિયા કાર્નિવલ-2025’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ નગરજનોને ₹526 કરોડથી વધુના 109 વિકાસકાર્યોની મોટી ભેટ પણ આપી હતી. કાર્નિવલના પ્રથમ દિવસે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ટેકનોલોજી અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.
Hon'ble CM Shri Bhupendrabhai Patel inaugurates the opening ceremony of Amdavad Kankaria Carnival 2025 by AMC as part of the Amdavad Festival, in the presence of Hon’ble Mayor Smt. Pratibhaben Jain, followed by a musical performance by Kirtidan Gadhvi. https://t.co/UPDtyKI7R6
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 25, 2025
કીર્તિદાન ગઢવીની રમઝટ
સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ સ્ટેજ પરથી સુરાવલીઓ છેડી ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહિત બની ગયું હતું. જ્યારે તેમણે ‘ડાકોરના ઠાકોર’, ‘જય રણછોડ માખણચોર’ અને ‘રસિયો રૂપાળો રંગરેલિયો’ જેવા લોકપ્રિય ગીતો લલકાર્યા, ત્યારે હજારોની મેદની મન મૂકીને ઝૂમી ઉઠી હતી. આ અદભૂત ક્ષણોને વધાવવા માટે દર્શકોએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી સાથ પુરાવ્યો હતો, જેનાથી કાંકરિયાનું મેદાન ઝળહળી ઉઠ્યું હતું.
ડ્રોન શો અને કાર્નિવલ પરેડ
‘લોકલ ટુ ગ્લોબલ’ થીમ પર આધારિત કાર્નિવલ પરેડે નગરજનોના દિલ જીતી લીધા હતા. ડ્રોન શોમાં આકાશમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનની આકૃતિઓ જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા. આ સાથે દેશભક્તિના ગીતો સાથેના લાઈટ એન્ડ સાઉન્ડ શોએ આકર્ષણમાં વધારો કર્યો હતો. લોકોએ આ અદભૂત લાઈટિંગ શોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો.
વિકાસની ભેટ અને સુશાસન
મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી આ પરંપરાનો આજે 16મો કાર્નિવલ યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાંકરિયા હવે માત્ર તળાવ નથી રહ્યું પરંતુ ‘વિરાસત ભી, વિકાસ ભી’નું પ્રતીક બન્યું છે. તેમણે નાગરિકોને શહેરની સ્વચ્છતા જાળવવા અને 2047ના વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી થવા અપીલ કરી હતી. આ અવસરે મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
