જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસમાં કોચ વધારવામાં આવશે, પેસેન્જર કેપેસિટી બમણી થશે

જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસમાં કોચની સંખ્યા 8થી વધારીને 16 કરાશે. પેસેન્જર કેપેસિટી વધીને 1,060 થશે અને કેસરી રંગનું નવું રેક મુકાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 04 Nov 2026 02:36 AM (IST)Updated: Wed, 04 Nov 2026 02:36 AM (IST)
jodhpursabarmati-vande-bharat-doubles-capacity-to-16-coaches

Jodhpur Sabarmati Vande Bharat: જોધપુર અને અમદાવાદ (સાબરમતી) વચ્ચે મુસાફરી કરતા ટ્રેન મુસાફરો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પશ્ચિમ રેલવેના જોધપુર ડિવિઝન દ્વારા જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ક્ષમતામાં મોટા પાયે વધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વધતી જતી મુસાફરોની ભીડ અને ટિકિટની માંગને ધ્યાનમાં રાખીને આ ટ્રેનના કોચની સંખ્યા 8 થી વધારીને direct 16 કરવાની યોજના બનાવવામાં આવી છે.

મુસાફરોની બેઠક ક્ષમતા 530 થી વધીને 1,060 થશે

રેલવે બોર્ડના નિર્દેશ બાદ જોધપુર ડિવિઝને તેનો સાનુકૂળ ઓપરેશનલ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરીને હેડક્વાર્ટર મોકલી આપ્યો છે. હાલમાં આ ટ્રેનમાં મુસાફરો માટે 8 કોચ ઉપલબ્ધ છે, જેની કુલ બેઠક ક્ષમતા 530 છે. કોચની સંખ્યા બમણી થવાથી ટ્રેનની કુલ સીટ ક્ષમતા વધીને 1,060 થઈ જશે.

નવું કોચ સ્ટ્રક્ચર કંઈક આ મુજબ રહેશે-

એક્ઝિક્યુટિવ ચેર કાર (EC): હાલ 1 કોચ છે, જે વધારીને 2 કરાશે (કુલ 104 સીટો).

સામાન્ય ચેર કાર (CC): હાલ 7 કોચ છે, જે વધારીને 14 કરાશે (કુલ 956 સીટો).

સફેદ નહીં, હવે નવા 'કેસરી' (Saffron) કલરના રેક સાથે દોડશે

ક્ષમતા વધારવાની સાથે સાથે આ ટ્રેનનો દેખાવ પણ બદલાવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આ રુટ પર સફેદ અને વાદળી રંગની વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવતી હતી, પરંતુ હવે સમગ્ર રેક બદલીને અદ્યતન 'ભગવા/કેસરી' (Saffron) રંગનું નવું વંદે ભારત રેક મૂકવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ઓવરબુકિંગ અને સતત વધતી માંગ બની મુખ્ય કારણ

  • જોધપુરથી શરૂ થયેલી આ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 12461/12462)નો પ્રારંભ 9 જુલાઈ, 2023ના રોજ કરવામાં આવ્યો હતો.
  • પ્રારંભિક પ્રતિસાદ: શરૂઆતના 8-9 મહિના દરમિયાન ટ્રેનમાં મુસાફરોની સંખ્યા થોડી ઓછી જોવા મળી હતી.
  • હાલની સ્થિતિ: સમય જતાં તેની સ્પીડ, આરામદાયક મુસાફરી અને સમયપાલન જોઈને મુસાફરોનો ઘસારો અભૂતપૂર્વ રીતે વધ્યો છે.
  • આંકડા શું કહે છે?: જુલાઈ 2023 થી જૂન 2026 સુધીમાં આ ટ્રેને 4,646 થી વધુ ટ્રિપ્સ પૂર્ણ કરી છે અને 13 લાખથી વધુ મુસાફરોએ તેનો લાભ લીધો છે.
  • દૈનિક માંગ: ટ્રેનની ક્ષમતા 530 સીટની છે, જેની સામે રોજ 600 થી 650 ટિકિટની માંગ રહે છે.
  • સતત વેઇટિંગ લિસ્ટ અને મુસાફરોની ભારે માંગને જોતાં રેલ્વે તંત્ર દ્વારા આ ક્ષમતા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમલવારીની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે

જોધપુર ડિવિઝન તરફથી તમામ ટેકનિકલ અને ઓપરેશનલ અહેવાલ સબમિટ કરી દેવાયા છે. હવે આ 16 કોચ વાળી નવી કેસરી વંદે ભારત ટ્રેન કઈ તારીખથી પાટા પર દોડતી થશે, તેની આખરી જાહેરાત રેલ્વે બોર્ડ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.