Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 'ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ -ફૂડ ફોર થોટ ફેસ્ટ' યોજાશે

ભારત ઉપરાંત નેપાળ, સ્પેન અને નેધરલેન્ડ સહિતના દેશો લેશે ભાગ- જાણિતા ફૂડ ક્રિટિક રશ્મિ ઉદય શીંઘ, શેફ અભિજિત સાહા, રોહિણી રાણા, ગૌતમ મહર્ષિ અને પદ્મશ્રી ડૉ. પુષ્પેશ પંત ઉપસ્થિત રહેશે

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 05 Nov 2025 10:41 AM (IST)Updated: Wed 05 Nov 2025 10:41 AM (IST)
international-food-festival-food-for-thought-fest-to-be-held-from-november-13-at-sabarmati-riverfront-event-centre-632649

International Food Festival: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર સ્વાદ પ્રેમીઓ માટે એક અનોખો અને સ્મરણિય અનુભવ લાવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા ધરાવતાં ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ 'ફૂડ ફોર થોટ ફેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વાદનો મેળાવડો જામશે

‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ માત્ર ફૂડ ફેસ્ટિવલ નથી પણ વિચાર અને સ્વાદનો મેળાવડો છે. ફૂડ ફોર થોટ ફેસ્ટ અવનવી વાનગીઓના શોખીનો અને મનોરંજન પ્રેમીઓને એકસમાન આનંદ મળી રહે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષના ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોની ભાગીદારી રહેશે, જે આ ફૂડ ફેસ્ટિવલને આંતરરાષ્ટ્રીય રંગ આપશે.

ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ યોજાશે

આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ રાંધણકળા અંગેની ચર્ચા, વાનગીઓ, વિચારોની આપ-લે માટે એક અનોખા મંચ તરીકે સેવા આપે છે. આ ફૂડ ફેસ્ટિવલમાં જાણીતી સેલિબ્રિટીઝ અને નિષ્ણાતોની ઉપસ્થિતિ ઉપરાંત માસ્ટર શેફ સાથે નવી વાનગીઓની શોધ તથા સમગ્ર પરિવાર માટે અવિસ્મરણીય અનુભવ કરાવતા માહિતીસભર મનોરંજનની મજા માણવા મળશે. આ આંતરરાષ્ટ્રીય ફૂડ ફેસ્ટિવલમાં જાણીતા ફૂડ ક્રિટિક અને લેખિકા રશ્મી ઉદય સિંહ, પ્રસિદ્ધ શેફ અભિજિત સાહા અને ગૌતમ મહર્ષિ, નેપાળની લેખિકા રોહિણી રાણા, પદ્મશ્રી ડૉ.પુષ્પેશ પંત ઉપસ્થિત રહેશે.

લાઇવ કૂકિંગ વર્કશોપ અને ફૂડ શો નું આયોજન

આ ફૂડ ફેસ્ટિવલમાં સાઉથ એશિયાના માસ્ટર શેફ દ્વારા લાઇવ કૂકિંગ વર્કશોપ અને ફૂડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. 'અ ટેસ્ટ ઓફ લક્ઝરી' અને 'ધ રિજનલ ફ્લેવર' એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં લક્ઝરી હોટલ દ્વારા પોતાની શ્રેષ્ઠ વાનગીઓ પિરસવામાં આવશે, જ્યારે ધ રિજનલ ફ્લેવરમાં વિવિધ રિજનલ ફ્લેવર્સ ફૂડને સ્ટ્રીટ ફૂડ શૈલીમાં રજૂ કરવામાં આવશે.

આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવિલિયન પણ તૈયાર કરવામાં આવશે. લક્ઝરી પેવિલિયનમાં પ્રતિષ્ઠિત હોટેલ દ્વારા તેમની વિશેષ વાનગીઓ પિરસવામાં આવશે.  સ્પિરિચ્યુઅલ પેવિલિયનમા પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતા “ભોગ પ્રસાદ” સાથે આધ્યાત્મિક અનુભૂતિ થશે. જ્યારે કોફી પેવિલિયનમાં લાઈવ કોફી, રોસ્ટિંગ, બ્રૂઇંગ અને વર્કશોપ સાથે કોફી પ્રેમીઓ માટે શૈક્ષણિક અને મનોરંજક માહિતીની આપ-લે કરવામાં આવશે.

આ ફૂડ ફેસ્ટિવલ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે પ્રેરણાનું પ્લેટફોર્મ બનશે. હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ, ફૂડ બ્લોગર્સ અને ઉદ્યોગકારો માટે ફેસ્ટિવલ એક લર્નિંગ અને નેટવર્કિંગ તકો પૂરી પાડશે. આ ઉપરાંત તેઓ સાઉશ એશિયાની ખાદ્ય પરંપરા સાથે નવી તકનીક અને વિચાર પ્રવાહ પણ શીખી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી, જેણે વર્ષ 2015 થી દર વર્ષે આ ફેસ્ટિવલ સફળતાપૂર્વક આયોજીત કરીને દક્ષિણ એશિયાના ખાદ્ય અને સંસ્કૃતિ ક્ષેત્રમાં આગવું સ્થાન મેળવ્યું છે. ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો એક અનોખો મંચ છે. આ ફેસ્ટિવલ માત્ર સ્વાદ જ નહીં, પણ વિચારો, સંસ્કૃતિ અને જોડાણનો ઉત્સવ પણ બનશે. આ ફૂડ ફેસ્ટિવલ હવે અમદાવાદના સ્વાદ પ્રેમીઓ માટે એક સ્મરણીય અનુભવ બની રહેવાનો છે.