Ahmedabad News: અમદાવાદમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ માટે આવેલો લાખોનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો!

આ હાઈબ્રિડ ગાંજો સપ્લાય કરવાનું મુખ્ય નેટવર્ક એપલવૂડ વિલામાં રહેતો અર્ચિત અગ્રવાલ ચલાવતો હતો. પોલીસને શંકા ન જાય તે માટે અર્ચિત પોતાની લક્ઝુરિયસ મર્સિડિસ કારનો ઉપયોગ કરતો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 30 Dec 2025 08:27 AM (IST)Updated: Tue 30 Dec 2025 08:27 AM (IST)
hybrid-marijuana-worth-lakhs-seized-in-ahmedabad-for-december-31-parties-664425

Ahmedabad News: 31 ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે અમદાવાદ શહેર અને આસપાસના ફાર્મ હાઉસોમાં યોજાનારી રેવ પાર્ટીઓમાં નશાનો સામાન સપ્લાય કરવાના મનસૂબા પર સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) પાણી ફેરવી દીધું છે. પોલીસે શેલા-બોપલ રોડ પર આવેલા એપલવૂડ વિલા પાસેથી રૂ. 15.12 લાખની કિંમતનો 432 ગ્રામ ‘હાઈબ્રિડ ગાંજો’ ઝડપી પાડી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

મર્સિડિસ કાર અને ડ્રાઇવરનો મોડસ ઓપરેન્ડી તરીકે ઉપયોગ

આ હાઈબ્રિડ ગાંજો સપ્લાય કરવાનું મુખ્ય નેટવર્ક એપલવૂડ વિલામાં રહેતો અર્ચિત અગ્રવાલ ચલાવતો હતો. પોલીસને શંકા ન જાય તે માટે અર્ચિત પોતાની લક્ઝુરિયસ મર્સિડિસ કારનો ઉપયોગ કરતો હતો. તે પોતે કારમાં જથ્થો લઈને નીકળતો, પરંતુ ડિલિવરી પોઈન્ટ આવતા જ તે પોતાના ડ્રાઇવર રાહુલ ભદોરિયાને માલ સાથે ઉતારી દેતો અને પોતે ગાડી લઈને નીકળી જતો હતો. સોમવારે બપોરે પણ અર્ચિતે આ જ રીતે રાહુલને પાર્સલ સાથે ઉતાર્યો હતો, જ્યાં રાહુલ સાઉથ બોપલના રવિ માર્કન અને જજીસ બંગલો રોડના દર્શન પરીખને ગાંજો આપી રહ્યો હતો ત્યારે જ પોલીસે ત્રાટકી ત્રણેયને ઝડપી લીધા હતા.

થાઈલેન્ડ કનેક્શન અને અગાઉનો ગુનાહિત ઈતિહાસ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અર્ચિત આ હાઈબ્રિડ ગાંજો થાઈલેન્ડથી મગાવતો હતો. અર્ચિત અગ્રવાલ અગાઉ પણ નશાના કારોબારમાં સંડોવાયેલો રહ્યો છે; વર્ષ 2023માં પણ અમદાવાદ જિલ્લા SOGએ તેની 10 ગ્રામ ગાંજા અને 27 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી હતી. હાલ પોલીસ તેના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલ સોની અને અર્ચિતને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડ્રાઇવરને એક ડિલિવરીના મળતા હતા 10 હજાર

ધરપકડ કરાયેલા ડ્રાઇવર રાહુલ ભદોરિયાની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાહુલ છેલ્લા ઘણા સમયથી અર્ચિતને ત્યાં નોકરી કરે છે અને તેને માત્ર એક વાર ગાંજાની ડિલિવરી કરવાના બદલામાં અર્ચિત રૂ. 10,000 આપતો હતો. રાહુલે કબૂલાત કરી છે કે છેલ્લા ચાર મહિનામાં તેણે અર્ચિતના કહેવાથી ગાંજાના આવા કુલ 15 કન્સાઈન્મેન્ટની સફળ ડિલિવરી કરી હતી.

ફાર્મ હાઉસોની પાર્ટીઓ પર પોલીસની નજર

પકડાયેલા પેડલરો રવિ અને દર્શન આ ગાંજો શહેરના પોશ વિસ્તારો અને જિલ્લાના ફાર્મ હાઉસોમાં યોજાનારી ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ મિતેશ ત્રિવેદીએ જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓ પાસેથી સંભવિત ગ્રાહકોની યાદી મેળવવામાં આવી છે અને આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે.