Gujarat High Court: જાણીતા શિવકથાકાર રાજેશ કાશીગીરી ગોસ્વામી ઉર્ફે રાજુ બાપુ અને તેમની 28 વર્ષીય શિષ્યાને લઈને સર્જાયેલો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટની ઉંબરે પહોંચ્યો છે. એક તરફ પરિવાર પોતાની દીકરીને કથાકારની ચુંગાલમાંથી છોડાવવા મરણિયા પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજુ બાપુની અન્ય એક શિષ્યાએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ અરજી કરી યુવતીને પરિવારના 'બંધન'માંથી મુક્ત કરાવવા માંગ કરી છે.
હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ રિટ
અમરેલીના સાવરકુંડલા સ્થિત આશ્રમમાં રહેતા હિતિષાદીદી ગોસ્વામીએ હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની રજૂઆત મુજબ, 28 વર્ષીય યુવતી તેમના ગુરુ રાજુ બાપુની અનુયાયી છે અને છેલ્લા 8 વર્ષથી સંપર્કમાં છે. યુવતી હવે સંન્યાસ ધારણ કરવા માંગે છે, પરંતુ તેના પરિવારજનો તેને ઘરમાં ગોંધી રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યા છે. અરજદારનો દાવો છે કે યુવતીએ મેસેજ કરી પોતાની જાતને બચાવવા આજીજી કરી છે.
પરિવારના સનસનાટીભર્યા આક્ષેપો
સામે પક્ષે, યુવતીના પિતા અને ભાઈએ કથાકાર રાજુ બાપુ વિરુદ્ધ અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે કથાકારે તેમની પુત્રીને આધ્યાત્મિકતાના નામે ફસાવી છે અને તેનું જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે. પરિવારના મતે, તેમની દીકરીને સંમોહિત કરીને અથવા ડરાવી-ધમકાવીને કથાકાર પોતાની પાસે રાખવા માંગે છે.
વડોદરા પોલીસ કમિશનરને તપાસની જવાબદારી
કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી જસ્ટિસ એન.એસ. સંજય ગ્રીન ગૌડા અને ડી.એમ. વ્યાસની ખંડપીઠે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે વડોદરા પોલીસ કમિશનરના સીધા નિરીક્ષણ હેઠળ આ સમગ્ર મામલે સર્વગ્રાહી તપાસ કરવાના આદેશ આપ્યા છે. કોર્ટે પોલીસને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, બંને પક્ષોના આક્ષેપોની તટસ્થ તપાસ કરવામાં આવે. યુવતીની ખરેખર ઈચ્છા શું છે અને તે કોઈના દબાણ હેઠળ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવે. અને 4 સપ્તાહમાં આ મામલે વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
આ હાઈપ્રોફાઈલ કેસની વધુ સુનાવણી 19મી જાન્યુઆરીના રોજ નિયત કરવામાં આવી છે. રાજ્યમાં ધર્મના નામે શોષણની વધતી ઘટનાઓ વચ્ચે આ કેસમાં પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
