Ahmedabad: હેલ્થ લિકર પરમિટની ફીમાં તોતિંગ વધારો, નવી પરમિટ માટે હવે આટલી ફી ચૂકવવી પડશે

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, લિકર પરમિટ ફીમાં કરાયેલો વધારો 17મી નવેમ્બરથી અમલી બનાવી દેવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 30 Dec 2025 11:17 AM (IST)Updated: Tue 30 Dec 2025 11:17 AM (IST)
health-liquor-permit-fee-hiked-now-this-much-fee-will-have-to-be-paid-for-a-new-permit-664569

Health Liquor Permit Fee Hiked: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સ્વાસ્થ્યના કારણોસર આપવામાં આવતી ‘હેલ્થ લિકર પરમિટ’ મેળવવી હવે અમદાવાદીઓ માટે મોંઘી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા લિકર પરમિટ માટેની ભલામણ અરજી અને મેડિકલ ચેકઅપ ફીમાં મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રાજ્યમાં ફીના ધોરણોમાં એકસૂત્રતા લાવવાનું હોવાનું મનાય છે.

હેલ્થ લિકર પરમિટ ફીમાં કેટલો વધારો કરાયો?

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, લિકર પરમિટ ફીમાં કરાયેલો વધારો 17મી નવેમ્બરથી અમલી બનાવી દેવામાં આવ્યો છે. નવી પરમિટ અને રિન્યુઅલ માટેના સુધારેલા દરો નીચે મુજબ છે:

  • નવી પરમિટ: અગાઉ ફી 20,000 રૂપિયા હતી, જે વધારીને હવે 25,000 રૂપિયા કરવામાં આવી છે (5,000નો વધારો).
  • રિન્યુઅલ ફી: અગાઉ 14,000 રૂપિયા ફી લેવાતી હતી, જે હવે વધારીને 20,000 રૂપિયા કરવામાં આવી છે (6,000નો વધારો).

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, સુરતમાં ફીના દરો વધુ હોવાથી અમદાવાદમાં પણ ફીના ધોરણોમાં સમાનતા લાવવા માટે આ ભાવવધારો કરવામાં આવ્યો છે.

સરકારી તિજોરીમાં કરોડોની આવક

આ ભાવવધારાને કારણે હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ અને સરકારી તિજોરીને મોટી આવક થવાની અપેક્ષા છે. આંકડાકીય માહિતી મુજબ:

  • વર્ષ 2025: અત્યાર સુધીમાં કુલ 3,643 ભલામણ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જેના દ્વારા સરકારને 5.96 કરોડ રૂપિયાની આવક થઈ છે.
  • વર્ષ 2024: ગત વર્ષે 3,499 અરજીઓ મંજૂર કરાઈ હતી, જેમાંથી 5.69 કરોડની આવક થઈ હતી.

પરમિટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો

અમદાવાદમાં લિકર પરમિટ ધારકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં માત્ર 290 નવી અરજીઓ હતી, જેની સામે વર્ષ 2025માં 897 નવી અરજીઓ મંજૂર થઈ છે, જે અઢી ગણાથી પણ વધુનો વધારો દર્શાવે છે.

  • વર્ષ 2025ના આંકડા: મંજૂર થયેલી 3,643 અરજીઓમાં 3,408 પુરુષ અને 235 મહિલાઓનો સમાવેશ થાય છે.
  • વર્ષ 2024ના આંકડા: 3,499 અરજીઓમાં 3,280 પુરુષ અને 219 મહિલા અરજદારો હતા.

કયા કારણોસર મળે છે પરમિટ?

જે દર્દીઓને અનિદ્રા (ઊંઘ ન આવવી), હાયપરટેન્શન અથવા અતિશય તણાવ જેવી સમસ્યાઓ હોય તેમને તબીબી તપાસ બાદ દારૂના સેવન માટે હેલ્થ પરમિટ આપવામાં આવે છે. આ માટે સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવું ફરજિયાત છે.

વય મર્યાદા મુજબ દારૂના યુનિટની ફાળવણી

નિયત ધોરણો મુજબ, વ્યક્તિની ઉંમર વધતા દારૂના યુનિટની સંખ્યા પણ વધતી હોય છે:

  • 40 થી 50 વર્ષ: મહિને 3 યુનિટ.
  • 50 થી 65 વર્ષ: મહિને 4 યુનિટ.
  • 65 વર્ષથી વધુ: મહિને 5 યુનિટ.

વધુમાં, અરજદારોને વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે નિયમ મુજબ મહત્તમ મર્યાદામાં લિકરની ભલામણ કરવામાં આવે છે.