Kajal Maheriya Marriage Controversy: ગુજરાતી લોક સંગીત ક્ષેત્રે જાણીતું નામ અને લાખો ચાહકોના દિલ પર રાજ કરનાર સિંગર કાજલ મહેરિયા હાલ પોતાના વ્યવસાયિક કામને કારણે નહીં, પરંતુ અંગત જીવનમાં ચાલી રહેલા હાઈ-વોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. છેલ્લા દોઢ વર્ષથી અલ્પેશ ઠાકોર સાથેના સંબંધો અને ત્યારબાદ થયેલા ગુપ્ત લગ્નની વાત હવે જાહેરમાં આવતા જ જ્ઞાતિ અને પરિવાર વચ્ચે મોટો વિવાદ છેડાયો છે. ઘણાને સવાલ થઈ રહ્યો છે કે જો સંબંધો આટલા જૂના હતા, તો વિવાદ અત્યારે જ કેમ બહાર આવ્યો?
લગ્ન ગુપ્ત રાખવા પાછળનું કારણ અને વિવાદની શરૂઆત
પ્રાપ્ત વિગતો અનુસાર, કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. 10 ઓક્ટોબર, 2025ના રોજ બંનેએ પરિવારની જાણ વગર પ્રેમ લગ્ન કરી લીધા હતા. જોકે, કાજલના કરિયર અને પારિવારિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને આ લગ્નને લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવ્યા હતા. અલ્પેશના ભાઈના જણાવ્યા મુજબ, કાજલ અને અલ્પેશ છેલ્લા 7 મહિનાથી અમદાવાદમાં સાથે જ રહેતા હતા, પરંતુ આ વાતની જાણ કાજલના પરિવારને પૂરેપૂરી નહોતી.
ભાઈની એક પોસ્ટ અને સોશિયલ મીડિયા પર વિસ્ફોટ
આ સમગ્ર મામલો ત્યારે જાહેરમાં આવ્યો જ્યારે કાજલના ભાઈ સંદીપ એન. મહેરિયાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક અને આક્રમક પોસ્ટ મૂકી. તેણે જાહેર કર્યું કે કાજલે ઘર કે પરિવારને જાણ કર્યા વિના લગ્ન કરી લીધા છે. તેણે સમાજ અને 18 આલમને અપીલ કરી કે આ મુશ્કેલ સમયમાં મહેરિયા પરિવારની વ્હારે આવે. આ પોસ્ટ વાયરલ થતા જ વિવાદે જોર પકડ્યું અને મામલો ઘરની ચાર દીવાલોમાંથી નીકળીને રસ્તા પર આવી ગયો.
ગાંધીનગરના શેરથા ગામે હોબાળો થયો
વિવાદ વધતા કાજલના પરિવારજનો અને સમાજના અગ્રણીઓ ગાંધીનગરના શેરથા ગામે પહોંચ્યા હતા, જ્યાં અલ્પેશનું ઘર આવેલું છે. ત્યાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હોબાળો થતા વાતાવરણ તંગ બની ગયું હતું. મામલો એટલો બિચક્યો કે અંતે પોલીસને દરમિયાનગીરી કરવી પડી અને સમગ્ર વિવાદ પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યો હતો.
કાજલની માતાના આક્ષેપ જાણો
કાજલની માતા શારદાબેન મહેરિયાએ પણ એક વીડિયો નિવેદન જારી કર્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમણે અલ્પેશ અને તેના પરિવાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, "મારી દીકરી ક્યારેય આવું ન કરે, તેને પટાવી-ફોસલાવીને આ બધું કરવામાં આવ્યું છે. આ બધો ખેલ પૈસા પડાવવા માટે ખેલાયો છે." પરિવારે આક્ષેપ કર્યો છે કે કાજલની મિલકત અને કમાણી પર નજર રાખીને આ લગ્ન કરાવવામાં આવ્યા છે.
કાજલ મહેરિયાનો પક્ષ
બીજી તરફ, તમામ આક્ષેપો વચ્ચે કાજલ મહેરિયાએ મૌન તોડતા એક વીડિયો જાહેર કર્યો છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેણે પોતાની મરજીથી અને કોઈપણ પ્રકારના દબાણ વગર લગ્ન કર્યા છે. તે પોતે પુખ્ત વયની છે અને પોતાના જીવનના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. તેણે પરિવાર સાથે અગાઉ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પરિવાર આ સંબંધ માટે રાજી ન હોવાથી તેણે આ પગલું ભરવું પડ્યું. હાલમાં આ મામલે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું છે. એક તરફ કાજલના ચાહકો તેને સપોર્ટ કરી રહ્યા છે, તો બીજી તરફ પારિવારિક મૂલ્યોના નામે તેની ટીકા પણ થઈ રહી છે.
