અમદાવાદ.
Rain In Ahmedabad: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
અમદાવાદ શહેરના ગોતા, એસજી હાઈવે, સેટેલાઈટ, સરખેજ, બોપલ, રાણીપ અને ચાંદખેડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. હાલમાં પણ અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં રાજ્યના ગાંધીનગર, ખેડા અને મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસથી અંગ દઝાડતી ગરમીથી અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી રહ્યાં હતા. જો કે આજે અચાનક વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.
જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 28-29 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી રવિવારથી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં રવિવારના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સોમવારે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, ભરૂચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં વરસાદ પડવાના સંકેત આપવામાં આવ્યા છે.