Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ બેવડી ઋતુના માર વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક બાદ રાજ્યમાં માવઠાનો માહોલ જોવા મળી શકે છે. 29 અને 30 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતા
આ પણ વાંચો
હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક બાદ એટલે કે 29 અને 30 ઓકટોબરના રોજ રાજ્યના વાતાવરણમાં ફેરબદલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ બે દિવસ દરમિયાન નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
કેવું રહેશે રાજ્યનું તાપમાન
ગુજરાતના તાપમાન અંગે વાત કરીએ તો આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં. જોકે ત્યાર બાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. જોકે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. ઉલ્લેખનીય છેકે છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે બાકીના પ્રદેશોના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. જ્યારે લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ઓછું નોંધાયું હતું.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું 'અર્નબ' વધુ પ્રચંડ બન્યું
બંગાળની ખાડીમાં ગઈકાલે સક્રિય થયેલું 'અર્નબ' વાવાઝોડું (ઉચ્ચાર: ઓર્નબ) પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને હવે 'અતિ ભયાનક વાવાઝોડા' (વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ)માં પરિવર્તિત થઈ ચૂક્યું છે. હાલમાં તે 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને 27મી ઓક્ટોબરની સાંજથી ઉત્તર-પશ્ચિમ દિશા પકડીને 28મી ઓક્ટોબરની સવાર-બપોર (ફોરનૂન) સુધીમાં બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે, યાનમ નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની પ્રબળ સંભાવના છે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 125-135 કિમીથી લઈને 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ભયાનક વાવાઝોડા ઉપરાંત, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 1.5 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી સિસ્ટમ) યથાવત છે; તેમજ વાતાવરણના ઉપલા સ્તરમાં પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય હોવાની સાથે નીચલા સ્તરે ઉત્તરપૂર્વીય અને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે.
